વોશિંગ્ટનઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી એબોર્શન પિલ મિફેપ્રિસ્ટોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કરી દીધો છે. નીચલી કોર્ટે તેના પર પ્રતિબંધ મુક્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કારણ કે નીચલી કોર્ટના પ્રતિબંધથી અમેરિકામાં આ ગોળીઓનુ વેચાણ બંધ થઈ જાય તેમ હતું. સુપ્રીમ કોર્ટે જોકે નીચેની કોર્ટના આદેશને ફગાવી દીધો છે.
ટેક્સાસમાં એક ફેડરલ કોર્ટના જજે મિફેપ્રિસ્ટોન પર આખા દેશમાં પ્રતિબંધ મુકવાનો આદેશ આપતાં કહ્યું હતું કે, આ ટેબ્લેટનો ઉપયોગ માતાના ગર્ભમાં રહેલા બાળકની જન્મ પહેલા જ હત્યા કરવા માટે કરાઈ રહ્યો છે.
બીજી તરફ, અમેરિકાની બાઈડેન સરકારે આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમાં નીચેની કોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ ફરી વિચારણા કરે તેવી અપીલ કરવામાં આવી હતી.
હવે જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યાં સુધી અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને મિફેપ્રિસ્ટોન કંપનીની અપીલ પર ફાઈનલ ચુકાદો ના આવે ત્યાં સુધી નીચલી કોર્ટના ચુકાદા પર બ્રેક મારી દીધી છે. જેના પર અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે હવે દેશમાં મિફેપ્રિસ્ટોન ટેબ્લેટ ઉપલબ્ધ રહેશે. અમે કોર્ટમાં અમારી લડાઈ ચાલુ રાખીશું. મહિલાઓના સ્વાસ્થ્ય પર રાજકીય કારણોસર હુમલા થઈ રહ્યા છે અને તેની સામે અમારી લડાઈ ચાલુ રહેશે.
નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન મિફેપ્રિસ્ટોનના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય પર ખતરો હોવાની દલીલો પણ કરવામાં આવી હતી અને તેની સામે દવા નિર્માતા તેમજ અમેરિકન સરકારનુ કહેવું છે કે, આ દવાનો એક લાંબો સુરક્ષિત ટ્રેક રેકોર્ડ છે. આ દવાનો ઉપયોગ અત્યાર સુધીમાં 50 લાખ કરતા વધારે અમેરિકન મહિલાઓ ગર્ભપાત માટે કરી ચુકી છે.