વોશિંગ્ટનઃ અમેરિકાનું કુલ રાષ્ટ્રીય દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર થયું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન ધરાવતા અમેરિકા માટે આ માત્ર એક આર્થિક આંકડો નથી, પરંતુ વધતા નાણાકીય દબાણનો સંકેત પણ છે. રાષ્ટ્ર૫તિ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય દેવું નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. જોકે દેવું સતત વધતું જ ગયું. હવે તેમના બીજા કાર્યકાળમાં આ દેવું તે સમયની સરખામણીએ લગભગ બમણું થઈ ચૂક્યું છે. વધતા દેવાએ અમેરિકી સરકાર સામે ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર વધારી દીધો છે.
વધતા દેવાની સાથે તેનું વ્યાજ પણ સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યું છે. જૂના દેવા પર રોકાણકારોને વ્યાજ ચૂકવવું પડે છે અને દેવું વધવાની સાથે આ ખર્ચ પણ વધતો જાય છે. આનાથી સરકાર પાસે બીજા જરૂરી કામો માટે ઉપલબ્ધ ભંડોળ સીમિત થઈ શકે છે.
અમેરિકી દેવું વધવા પાછળ ઘણા જૂના અને નવા કારણો જવાબદાર છે. તેમાં લાંબા સમયથી ચાલી રહેલો ભારે સૈન્ય ખર્ચ, સામાજિક સુરક્ષા અને આરોગ્ય કાર્યક્રમો પાછળ થતો સતત વધતો ખર્ચ સામેલ છે.


