યુએસમાં 2021માં શીખધર્મીઓ વિરુદ્ધ હેટ ક્રાઈમ્સ બીજા ક્રમે રહ્યા

Tuesday 28th February 2023 12:24 EST
 
 

ન્યૂ યોર્કઃ ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) દ્વારા જાહેર આંકડાઓ મુજબ યુએસમાં 2021માં ધર્મસંબંધી કુલ 1005 હેટ ક્રાઈમ્સ નોંધાયા હતા જેમાં શીખ ધર્મના જૂથોને સૌથી વધુ નિશાન બનાવાયા હતા. હેટ ક્રાઈમ્સ ઘટનાઓમાં 14.2 ટકા ઘટનાઓ ધર્મ સંબંધિત હતી.

ધર્મ આધારિત અપરાધોમાં સૌથી વધુ 31.9 ટકા અપરાધ યહુદીવિરોધી હતા જ્યારે શીખવિરોધી અપરાધ 21.3 ટકા હતા. મુસ્લિમવિરોધી અપરાધ 9.5 ટકા અને ક્રિશ્ચિયનવિરોધી અપરાધ 6.1 ટકા હતા. સમગ્રતયા કાયદાપાલક એજન્સીઓએ કુલ 7,262 ઘટનાઓ નોંધી હતી જેમાં અસરગ્રસ્તોની સંખ્યા 9,024 હતી.

આમ, સમગ્ર દેશમાં કોમ્યુનિટીઓ માટે હેટ ક્રાઈમ્સ ચિંતાનો વિષય બની રહ્યો હતો. 2021માં હેટ ક્રાઈમ્સનો રિપોર્ટ કરતી એજન્સીઓ દ્વારા નોંધાયેલી ઘટનાઓ 15,138 થી ઘટીને 11,834 થઈ હોવાથી વર્ષોની ઘટનાઓની વિશ્વસનીય સરખામણી થઈ શકતી નથી.

2021ના ડેટા મુજબ અપરાધીના વંશીયતા/જાતિ/ પૂર્વજ સંદર્ભે પૂર્વગ્રહિત વલણના કારણે વિક્ટિમ્સના 64.8 ટકાને લક્ષ્ય બનાવાયા હતા જે સૌથી મોટી હેતુલક્ષી કેટેગરી બની રહે છે. અશ્વેતવિરોધી અથવા આફ્રિકન અમેરિકન હેટ ક્રાઈમ્સ સૌથી મોટા પૂર્વગ્રહિત અપરાધોના વર્ગમાં સૌથી વધુ રહ્યા છે. 2021માં તમામ પૂર્વગ્રહિત ઘટનાઓની 63.2 ટકા ઘટના આ વર્ગ સાથે સંકળાયેલી હતી. આ ઉપરાંત, 2021માં એશિયન વિરોધી ઘટનાઓ 4.3 ટકાની રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter