યુએસમાં ઇયાન વાવાઝોડાંનો કેરઃ 100થી વધુનાં મોત, ત્રણ લાખથી વધુ ઘરોમાં અંધારપટ

Friday 07th October 2022 04:58 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા હાલ સૌથી મોટાં વાવાઝોડાંનો સામનો કરી રહ્યું છે. ઈયાન વાવાઝોડાંએ સમગ્ર અમેરિકાને ઘમરોળી નાંખ્યું છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ફ્લોરિડાની છે. હાલ આ વાવાઝોડું સાઉથ કેરોલિના તરફ આગળ વધ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને સહાનુભૂતિ પાઠવતાં ટ્વિટ કર્યું હતું કે અમેરિકા હાલ વિનાશકારી વાવાઝોડાંનો સામનો કરી રહ્યું છે.
આ કપરા સમયમાં અમારી સંવેદનાઓ અમેરિકાની સાથે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ કહ્યું હતું કે ફ્લોરિડાના ઈતિહાસમાં આવેલું આ સૌથી મોટું વાવાઝોડું હોઈ શકે છે. ઇયાન નામના વાવાઝોડાને કારણે માત્ર ફ્લોરિડામાં જ 100 જેટલાં મોત નીપજ્યાં છે. જ્યારે નોર્ધર્ન કેરોલિનામાં પણ ચાર લોકોનાં મોત નિપજ્યાં છે. ફ્લોરિડાની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ લોકો માર્યા ગયા છે તેમાં સૌથી વધુ મોત વાવાઝોડાં બાદ આવેલા પૂરને કારણે થયાં છે. શક્તિશાળી વાવાઝોડાએ સૌથી વધુ કેર વેસ્ટર્ન ક્યુબા, ફ્લોરિડા અને સાઉથ કેરોલિનામાં મચાવ્યો છે. અમેરિકાના નેશનલ ગાર્ડ જનરલ ડેનિયલ હોંકસને જણાવ્યું હતું કે ફ્લોરિડામાંથી શનિવારે એક હજારથી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. પૂરને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી અડચણ ઊભી થઈ રહી છે. અહીંની મિયક્કા નદીએ ભયજનક સપાટી વટાવી છે. હાઈવે ધોવાઈ ગયા છે. જેથી કેટલાક વિસ્તારો વિખૂટા પડી ગયા છે. ઉત્તર કેરોલિનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે અને માત્ર આ વિસ્તારમાં જ 2,80,000 ઘરોમાં વીજળી જતી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter