નવી દિલ્હી: અમેરિકામાં વસતા એશિયન સમુદાયના લોકોની વસતિમાં થયેલાં નોંધપાત્ર વધારાને પગલે અહીં એશિયન અમેરિકન માન્ય મતદારોની સંખ્યામાં છેલ્લાં બે દાયકામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે ત્યારે આ પ્રમુખ નક્કી કરવામાં આ મતદારોની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે.
‘2024માં એશિયન અમેરિકન માન્ય મતદારો અંગે મહત્વની વિગતો’ શિર્ષક ધરાવતા આ અહેવાલમાં જણાવ્યા અનુસાર છેલ્લાં ચાર વર્ષમાં એશિયન અમેરિકન માન્ય મતદારોની સંખ્યામાં 15 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. જેની સામે આ સમયગાળા દરમિયાન માન્ય મતદારોની સંખ્યામાં માત્ર ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો તેમ પ્યુ રિસર્ચ સેન્ટર સ્ટડી દ્વારા જારી કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસમાં જણાવ્યાં અનુસાર મતદારોનો આ વર્ગ કુલ મતદારોના 6 ટકા જેટલો છે. એશિયન અમેરિકન મતદારો મોટાભાગે ડેમોક્રેટિક પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે.
2020ની ચૂંટણીમાં 72 ટકા એશિયન મતદારોએ રાષ્ટ્રપતિ પદના ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 28 ટકાએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં મતદાન કર્યું હતું. 2022 સુધીમાં મોટાભાગના એશિયન અમેરિકન મતદારો (55 ટકા) મુખ્યત્વે પાંચ રાજ્યોમાં વસતાં હતાં. કેલિફોર્નિયામાં એશિયન અમેરિકન મતદારોની સૌથી વધુ 44 લાખની વસતિ હતી. તે પછીના ક્રમે ન્યૂ યોર્ક 12 લાખ, ટેક્સાસ 11 લાખ, હવાઈ 5.80 લાખ તથા ન્યૂ જર્સી 5.75 લાખનો સમાવેશ થાય છે. આ અહેવાલ અમેરિકાના રાજકારણમાં એશિયન મૂળના લોકોના વધતાં મહત્વ અંગે ધ્યાન દોરે છે.