યુએસમાં ડિગ્રી મેળવવામાં હિન્દુઓ સૌથી આગળ

Sunday 03rd February 2019 07:20 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના ધાર્મિક જૂથોમાં હિન્દુ સમુદાય કોલેજ ડિગ્રીના આધારે સૌથી શિક્ષિત સમુદાય છે. ત્યાર પછીના ક્રમે યુનિટેરિયન યુનિવર્સલિસ્ટ, યહુદી અને એપ્સીકોપલ છે.
આ માહિતી પ્યુ રિસર્ચ સેન્ટરના એક અભ્યાસમાં બહાર આવી છે. આ અભ્યાસ માટે ૪ વર્ષની કોલેજ ડિગ્રીને આધાર માનવામાં આવી છે. અમેરિકાના ૩૫ હજાર કોલેજ ગ્રેજ્યુએટને તેમાં સામેલ કરાયા હતા.
કોલેજ ડિગ્રીવાળામાં સૌથી વધુ સંખ્યા હિન્દુઓની હતી. તેમનો આંકડો ૭૭ ટકાનો હતો. યુનિટેરિયન ૬૭ ટકા સાથે બીજા નંબરે છે. યહુદી અને એન્ગ્લીકન ૫૯ ટકા સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે. એપ્સીકોપલ ચર્ચ ૫૬ ટકા સાથે ટોપ ફાઇવમાં છે. નાસ્તિક ૪૩ ટકા અને અજ્ઞેયવાદી (ઇશ્વરના અસ્તિત્વને ન તો પ્રમાણિત કરી શકાય છે કે ન તો અપ્રમાણિત કરી શકાય છે તેવું માનતો વર્ગ) ૪૨ ટકા છે.
ડિગ્રી મેળવવામાં મુસ્લિમ ૩૯ ટકા અને કેથોલિક ૨૬ ટકા છે. અમેરિકાની વસતી ગણતરી થઈ નથી પણ તેની વસતી લગભગ ૩૨ કરોડ છે અને તેમાં ૦.૭ ટકા હિન્દુ છે.
ભારતીય અમેરિકી સમુદાયે અહીં સૌથી શ્રીમંત અને સૌથી શિક્ષિત સમુદાય તરીકે એક અલગ ઓળખ બનાવી છે. અભ્યાસમાં કહેવાયું છે કે વધુ શિક્ષિત હોવાને કારણે હિન્દુઓ અને યહુદી કમાણીમાં પણ આગળ છે.
યહૂદીઓમાં દર ૧૦માંથી ૪ અને હિન્દુઓમાં દર ૧૦માંથી ૩ લોકો એવા છે કે જેમની વાર્ષિક આવક ૭૦ લાખ રૂપિયાથી વધુ છે.

ડિગ્રી મેળવનારા સમુદાય

હિન્દુ ૭૭ ટકા
યુનિટેરિયન ૬૭ ટકા
યહુદી ૫૯ ટકા
એન્ગ્લીકન ૫૯ ટકા
એપ્સીકોપલ ૫૬ ટકા
બુદ્ધિસ્ટ ૪૭ ટકા
રુઢીચુસ્ત ખ્રિસ્તી ૪૦ ટકા
મુસ્લિમ ૩૯ ટકા
કેથોલિક ૨૬ ટકા
ક્રાઇસ્ટ ચર્ચ ૧૮ ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter