વોશિંગ્ટનઃ બરફના ભાયવહ તોફાને અમેરિકાને બાનમાં લેતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે બરફ સાથે આંધી ફૂંકાવાથી તાપમાનનો પારો એકાએક ગગડી જતા લોકો કાતિલ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આ ઉપરાંત હજારો ઘરોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. સ્નો સ્ટોર્મ દરમિયાન બનેલી વિવિધ ઘટનાઓમાં 10નાં મૃત્યુ થયાના અહેવાલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ખતરનાક સ્થિતિને જોતા યુએસના 20 રાજ્યોમાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે. 19 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા 14 હજારથી વધુ ફ્લાઈટ્સને અસર થઈ હોવાનું સરકારી રિપોર્ટમાં જણાવાયું છે. કાતીલ બરફ વર્ષાને લીધે અડધો અડધ અમેરિકાના લોકો પ્રભાવિત થયા હતા. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, બોસ્ટથી લઈને ન્યુઈંગ્લેન્ડ સુધીના ભાગો સહિત 37 રાજ્યોમાં હવામાન સંલગ્ન એલર્ટ અપાયું છે. ન્યૂ મેક્સિકોથી લઈને ટેનેસી વેલી સુધીના ક્ષેત્રો બરફવર્ષા તથા ભારે તોફાનથી પ્રભાવિત થયા છે. સરકારી અધિકારીઓના મતે મધ્ય પશ્ચિમ તથા મધ્ય-એટલાન્ટિકના ભાગોમાં અતિભારે બરફ પડ્યો હતો. ભારે પવન ફૂંકાતા મધ્ય તથા પૂર્વીય અમેરિકામાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા હતા. કેટલાક ભાગોમાં માઈનસ 20થી લઈને માઇનસ 30 સુધી કાતીલ ઠંડા પવનો નોંધાયા હતા તેમજ તાપમાનનો પારો -10થી -40 સુધી નીચે ગગડ્યો હોવાનું નોંધાયું હતું. વીજ લાઈન તથા માળખા પર ભારે બરફ પડવાથી 1.33 લાખ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.


