વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરતાં અમેરિકાની ચૂંટણી પ્રણાલિમાં ધરખમ સુધારાની જરૂરત પર વધુ એક વખત ભાર મૂક્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં દરેક મતદાર માટે માન્ય ફોટો આઇડેન્ટિટી કાર્ડ અનિવાર્ય છે, જ્યારે અમેરિકામાં આવી કોઇ વ્યવસ્થા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતુંઃ ‘આ મહિનાની શરૂમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આપણા વહીવટી તંત્રને પૂછ્યું હતું કે અમેરિકામાં માન્ય ફોટો ઓળખ કાર્ડ વગર ચૂંટણી કેવી રીતે યોજાય છે? ભારતની છેલ્લી ચૂંટણીમાં 64.6 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. તેમાંથી 1 ટકા કરતાં ઓછા લોકોએ પોસ્ટલ બેલેટથી મત આપ્યો હતો અને દરેક મતદાર પાસે માન્ય ફોટો આઇડી અનિવાર્ય હતું. આપણે હવે તરત જ ‘સેવ અમેરિકા એક્ટ’ પસાર કરવો જોઈએ.’ આ પ્રસ્તાવિત કાયદો ફેડરલ ચૂંટણીઓમાં મતદાર નોંધણી સમયે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા અને ઓળખ સંબંધી નિયમોને વધુ કડક બનાવવા સાથે જોડાયેલો માનવામાં આવે છે.


