યુએસમાં ભારતવંશીઓ પર થતાં હુમલા સામે પ્રચંડ આક્રોશ

Wednesday 19th October 2022 06:02 EDT
 
 

ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં ગત અઠવાડિયે માર્યા ગયેલા ભારતવંશી પરિવારના ચાર સભ્યોની હત્યા બાદ લોકો માર્ગો પર ઊતરી આવ્યા છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. શ્વેત સમુદાયના લોકો પણ ભારતીયો પર હુમલાનો આકરા શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. ભારતવંશીઓ દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનને શ્વેતો પણ સમર્થન આપી રહ્યા છે. ભારતવંશી પરિવારના ચારેય સભ્યોના શનિવારે અંતિમ સંસ્કાર કરાયા હતા.
કેલિફોર્નિયામાં ત્રીજી ઓક્ટોબરે જસદીપ સિંહ, તેમના પત્ની જસલીન કૌર, 8 મહિનાની માસુમ દીકરી આરોહી અને ભાઈ અમનદીપ સિંહનું અપહરણ કરીને તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. જસદીપના પિતરાઈ ભાઈ સુખદીપે જણાવ્યું કે તેમના નિધનથી પરિવાર વિખેરાઈ ગયો છે. મને એ સમજાતું નથી કે હું જે પીડા અને દુ:ખની લાગણી અનુભવી રહ્યો છું તેનું કઈ રીતે વર્ણન કરું.
પરિવારના નજીકના સ્વજન રણજિત સિંહે કહ્યું કે આ સંકટ વચ્ચે પીડિત પરિવારને અમારા સમર્થન અને મદદની બહુ જ જરૂર છે. એટલા માટે અમે સ્થાનિક સમુદાયને અમારી સાથે રહેવા અને પરિવારની મદદ કરવા અપીલ કરીએ છીએ.
ફ્રાન્સના અમેરિકી કલાકાર માઈકલ બર્જરોને ચાર ભારતવંશીઓની હત્યા અંગે અચરજ વ્યક્ત કરતા કહ્યું કે તે આજીવિકા માટે અમેરિકા આવ્યા હતા. વૃદ્ધ માતા-પિતાનો સહારો હતા. વિરોધ વ્યક્ત કરી રહેલા સ્થાનિકોએ હાથમાં બેનર પકડી રાખ્યાં હતાં. તેના પર લખ્યું હતું કે ‘અમે શીખ સમુદાયની પડખે ઊભા છીએ.’ ‘કોઈ પણ પરિવારે આટલી ભયાવહ ત્રાસદી ન સહન કરવી જોઈએ.’
સામાજિક કાર્યકર અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિર્માતા ક્લારી કૌરે કહ્યું કે તેનાથી કોઈ ફેર નથી પડતો કે હત્યાનો શું ઉદ્દેશ્ય હતો? પણ મોટી વાત એ છે કે હત્યારાએ 8 માસની બાળકીને પણ મારી નાખી છે. આ મામલો અમેરિકામાં જૂના દૌરના સામાજિક અત્યાચારની પીડાને યાદ અપાવે છે.
અમેરિકાનું સપનું તૂટી રહ્યું છેઃ પરિવારજનો
પરિવારજનોનો આરોપ છે કે હુમલા બાદ એવું લાગે છે કે અમેરિકા હવે ભારતીયો માટે સુરક્ષિત નથી. જસદીપ અને અમનદીપ સિંહ 2002માં અમેરિકા આવીને વસ્યા હતા. મહેનત બાદ એક મુકામ પર પહોંચ્યા. અમેરિકા આવનાર દરેકનું એક સપનું હોય છે પણ આ ઘટના પછી તે તૂટી ગયું છે.
અન્ય સભ્યોની મદદ માટે ફંડ એકઠું
અમનદીપ સિંહના પત્ની જસપ્રીત કૌર અને તેના 9 તથા 6 વર્ષના બે સંતાનો માટે ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. ફંડ રેઝિંગ પેજ પર લખ્યું છે કે આ મદદથી બાળકો સારું શિક્ષણ મેળવી શકશે. ભવિષ્ય સુધારી શકશે. જસદીપનાં માતા-પિતાને પણ નાણાકીય સહાય મળશે.
11 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે આરોપી
હત્યાના આરોપમાં મેનુઅલ સાલગાડો અને તેના ભાઈ આલ્બર્ટો સાલગાડોની ધરપકડ કરાઈ છે. મેનુઅલ એક કેસમાં 2007માં લૂંટમાં દોષિત ઠર્યો હતો અને તેને 11 વર્ષની જેલની સજા થઇ હતી. મેનુઅલને ગયા શુક્રવારે કોર્ટમાં હાજર કરાયો ત્યારે તેણે ખુદને ભારતીય પરિવારની હત્યામાં સામેલ હોવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter