વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિ પર વૃદ્ધ અમેરિકન નાગરિકોને છેતરીને છ લાખ ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો છે. ભારતના રવિ કુમાર અને ટેક્સાસના એન્થની મુનિગેટી પર વીસ કાઉન્ટનું ચાર્જશીટ મૂકાયું છે. કુમાર ભારતમાં હોવાનું મનાય છે. હાલ તે ભાગેડુ છે. તેની ધરપકડનું વોરંટ પેન્ડિંગ છે. જ્યારે મુનિગેટીને કસ્ટડીમાં લેવાયો હોવાનું અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
મુનિગેટી અને કુમાર પર મની લોન્ડરિંગનો આરોપ છે. તેમના પર વાયર ફ્રોડનો ૧૩ કાઉન્ટનો જ્યારે મની લોન્ડરિંગનો છ કાઉન્ટનો આરોપ છે. હવે તેમને સજા થાય તો ૨૦ વર્ષ સુધીની સજા અને ૨૫૦,૦૦૦ ડોલર સુધીનો દંડ થઈ શકે છે.
આરોપો મુજબ તેમણે ટેક્સાસના કોનેરો વિસ્તાર અને ભારતમાં અને બીજા સ્થળોએ તેમની ચેઈન સ્થાપી આ ષડયંત્રને પાર પાડ્યું હતું. બંને પર ખાસ કરીને અમેરિકામાં વૃદ્ધોને લક્ષ્ય બનાવીને જુદા જુદા પ્રકારની સ્કીમ ચલાવતા હોવાનો આરોપ છે.
ચાર્જશીટ પ્રમાણે તેઓ વૃદ્ધોને તેમના કમ્પ્યુટર પર કામ કરવામાં મદદ કરવા માંગે છે તેમ કહીને તેમની સાથે સંબંધ બાંધે છે અને તેમના કમ્પ્યુટરનું એક્સેસ મેળવીને એકાઉન્ટ એક્સેસ કરી ફંડ ટ્રાન્સફર કરતા હતા. એક વખત તે થયા પછી નાણાંનો અમુક હિસ્સો મુનિગેટી અને બીજા લોકો પોતાની પાસે રાખતા અને બાકી હિસ્સો ભારતમાં કુમાર પાસે રહેતો. આમતેમણે પીડિતો પાસેથી છ લાખ ડોલર પડાવ્યા છે.