યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓના મોત સંદર્ભે માનસિક આરોગ્યના સ્રોતો વધારવાની જરૂર

Tuesday 26th March 2024 13:48 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં બે મહિનાથી ઓછાં સમયમાં સાત ભારતીય કોલેજિયન વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર કોમ્યુનિટીમાં હાહાકાર મચી ગયો છે અને આ મોત કેવી રીતે અટકાવી શકાયા હોત તેના વિશે ચર્ચા જાગી છે. આ વિદ્યાર્થીઓના મોત એકબીજા સાથે સંબંધિત નથી છતાં, વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતા સર્જાઈ છે. અલગ અલગ યુનિવર્સિટીની ઘટનાઓમાં આત્મહત્યા, અકસ્માતે ઓવરડોઝ અને ક્રુર હુમલાઓથી મોત થયાં હોવાનું સત્તાવાળાએ જણાવ્યું છે. મોટા ભાગના નિષ્ણાતો માનસિક આરોગ્ય સહાય મેળવવાના મુદ્દે એકમત છે.

ઈલિનોઈસ ડેમોક્રેટ અને અમેરિકી કોંગ્રેસમાં સેવા આપતા ભારતીય અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિના જણાવ્યા મુજબ ‘ભારતીય મૂળના વિદ્યાર્થીઓ ઉચ્ચ સિદ્ધિઓ ધરાવવા ઉપરાંત, ભારે અપેક્ષા રાખતા પરિવારોમાંથી આવે છે. તેમણે ઊંચી અપેક્ષાઓના તણાવની સાથોસાથ નવા વાતાવરણમાં હોવાના તણાવનો પણ સામનો કરવાનો રહે છે. આપણા પરિવારોએ માનસિક આરોગ્ય સપોર્ટ મેળવવામાં કોઈ છોછ રાખવો ન જોઈએ.’ કૈસર ફેમિલી ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ 2021માં કોઈ પણ માનસિક બીમારી સાથેના પુખ્ત લોકોમાં 52 ટકા શ્વેત પુખ્તોની સરખામણીએ માત્ર 25 ટકા એશિયનોએ જ માનસિક આરોગ્ય સેવા મેળવી હતી.

વિદ્યાર્થીઓના તાજેતરના અકાળ મોતની ઘટનાએ વિદ્યાર્થીઓ અને પેરન્ટ્સમાં ભારે ચિંતા સર્જી છે. જાન્યુઆરીમાં પરડ્યુ યુનિવર્સિટીના કેમ્પસમાં 19 વર્ષના નીલ આચાર્યનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું કારણ અકસ્માતે શ્વાસ રુંધાયાનું અપાયું હતું. થોડા દિવસ પછી પરડ્યુ યુનિ.ના ગ્રેજ્યુએટે આત્મહત્યા કરી હતી. કનેક્ટિકટમાં 15 જાન્યુઆરીએ ભારતીય મૂળના બે વિદ્યાર્થી- 22 વર્ષીય દિનેશ ગટ્ટુ અને 21 વર્ષીય સાઈ રાકોટી તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીના આ બે વિદ્યાર્થીએ અકસ્માતે ફેન્ટાનીલનો ઓવરડોઝ લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમિયાન, જ્યોર્જિઆ ગેસ સ્ટેશને 25 વર્ષીય ભારતીય ગ્રેજ્યુએટ વિદ્યાર્થી વિવેક સૈની પર જીવલેણ હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું. ઈલિનોઈસમાં યુનિવર્સિટી ઓફ અર્બાના ચેમ્પેઈન (UIUC)નો 18 વર્ષીય વિદ્યાર્થી અકુલ ધવન લાપતા થયાની ફરિયાદના 10 કલાક પછી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેના મોતનું કારણ ભારે ઠંડી અને આલ્કોહોલ સેવનનું અપાયું હતું. પહેલી ફેબ્રુઆરીએ યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના વધુ એક ભારતીય વિદ્યાર્થીના મોતનું કારણ આત્મહત્યા અપાયું હતું.

યુએસમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 25 ટકા ભારતીય હોવાનું ભારતીય દૂતાવાસનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભાષાકીય અવરોધો, ભેદભાવ, માનસિક સ્વાસ્થ્ય અને સંવેદનાત્મક ચિંતા જેવાં તણાવોનો સામનો કરતા હોવાનું જર્નલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં પ્રસિદ્ધ 2016ના રિવ્યુમાં જણાવાયું છે.પરડ્યુ યુનિવર્સિટીના ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ આદિત બેન્નુરના કહેવા મુજબ સાંસ્કૃતિક દબાણો વિદ્યાર્થીઓને આવશ્યક મદદ મેળવતા રોકતા હોઈ શકે. સાઉથ એશિયન મેન્ટ હેલ્થ ઈનિશિયેટિવ એન્ડ નેટવર્કના પ્રેસિડેન્ટ ડો. વાસુદેવ માખીજા કહે છે કે બાળકો જ્યારે પોતાની મુશ્કેલીઓ કે ચિંતા વિશે જણાવે ત્યારે પેરન્ટ્સે તેમને ધ્યાનથી સાંભળવા જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter