યુએસમાં રહેતા એચ-1બી વિઝાધારકોની કેનેડામાં વર્ક પરમિટ લેવા પડાપડી

Wednesday 26th July 2023 10:34 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડાની સરકારે અમેરિકામાં કાર્યરત આઈટી પ્રોફેશનલ્સ માટે જાહેર કરેલી નવી વિઝા સ્કિમને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. અમેરિકાના એચ-1બી વિઝાધારકો કેનેડાની વર્ક પરમિટ માટે અરજી કરી શકશે એવી જાહેરાત કર્યા બાદ મોટી સંખ્યામાં ભારતીય સહિત આઈટી પ્રોફેશનલ્સે કેનેડાના વિઝા મેળવવા પડાપડી કરી હતી. ધારણાં કરતાં ઓછા સમયમાં 10 હજાર અરજીની મર્યાદા આવી જતાં કેનેડિયન સરકારે હાલ તુર્ત સ્કિમ બંધ કરી હતી.

અમેરિકાના આઈટી સેક્ટરમાં છટણીનો સિલસિલો ચાલી રહ્યો છે. એચ-1બી વિઝા લઈને અમેરિકન આઈટી કંપનીઓમાં નોકરી કરતાં અસંખ્ય ભારતીયો સહિતના આઈટી પ્રોફેશનલ્સે તેમની નોકરી ગુમાવી છે અને બીજી નોકરી શોધી રહ્યા છે. બરાબર એ જ વખતે કેનેડા સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી હતી.
એચ-1બી વિઝાધારકોને સીધી એન્ટ્રીથી કેનેડાની વર્ક પરમિટ આપવાની જાહેરાત કેનેડાની સરકારે કરી તે પછી કેનેડાના વિઝા મેળવવા પડાપડી થઈ હતી. નોકરી ગુમાવી ચૂકેલા ભારતીય આઈટી નિષ્ણાતો સહિતના અસંખ્ય લોકો માટે કેનેડાની સ્કીમથી નવી તક સર્જાઈ હતી. પરિણામે મોટી સંખ્યામાં લોકોએ અરજી કરી હતી.
શરૂઆતમાં 10 હજાર અરજી સ્વીકારવાનો લક્ષ્યાંક કેનેડાની સરકારે રાખ્યો હતો. એ મર્યાદા એક જ આવી જતાં હવે સ્કીમ હાલ પૂરતી બંધ કરવાની જાહેરાત કેનેડાની ઈમિગ્રેશન એજન્સીએ કરી હતી. સ૨કા૨ના કહેવા પ્રમાણે સ્કીમ શરૂ થયાના પહેલાં દિવસે જ મોટી સંખ્યામાં અરજીઓ મળી હતી અને નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદા એક જ દિવસમાં પૂરી થઈ જતાં હવે સ્કીમ હાલ પૂરતી અટકાવી દેવાઈ છે. 10 હજાર પ્રોફેશનલ્સને વિઝા મળી જાય તે પછી કદાચ ભવિષ્યમાં ફરીથી એન્ટ્રી ઓપન કરવામાં આવશે એવો સંકેત ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ આપ્યો હતો.
કેનેડાની વિઝા સ્કીમમાં વર્ક પરમિટ મેળવનારા વિઝાધારકના પરિવારના સભ્યોને પણ સ્ટડી કે વર્ક વિઝા આપવાની જોગવાઈ હોવાથી તેને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે. આ વિઝા મેળવનારને ત્રણ વર્ષની વર્ક પરિમટ મળશે. જેની સમયમર્યાદા વધારવાની પણ સુવિધા આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter