યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

Saturday 20th December 2025 06:15 EST
 
 

વોશિંગ્ટનઃ પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કોર્ટે લિગ્નેશકુમાર એચ. પટેલને વાયર ફ્રોડ અને નાણા સંસ્થાઓના નામે છેતરપિંડી કરવાના કાવતરાના એક ગુના અને વાયર ફ્રોડના બે ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર લિગ્નેશકુમાર પટેલે પાંચ રાજ્યોમાં ઓછામાં ઓછા 11 વૃદ્ધ પીડિતોના ઘરે જઇને તેમની કુલ આશરે 22 લાખ ડોલરની સંપત્તિ ચોરી લીધી હતી. આરોપી એક મોટા કાવતરામાં સંડોવેલો હતો. આ ફ્રોડમાં ઓછામાં ઓછા બીજા 85 પીડિતો સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં 69 લાખ ડોલરથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. નિવેદનમાં જણાવાયું છે કે લિગ્નેશકુમાર પટેલે કુરિયર બોય અથવા ‘મની મ્યુલ’ તરીકે કામ કર્યું હતું અને ઇલિનોઇસ, મિઝોરી, આયોવા, મિશિગન અને વિસ્કોન્સિનમાં પીડિતો પાસેથી પૈસા અને સોનાની ડિલિવરી લીધી હતી. HSI શિકાગોના સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ મેથ્યુ જે. સ્કાર્પિનોએ જણાવ્યું હતું કે આ કેસ એવા વ્યક્તિઓ માટે ગંભીર પરિણામો દર્શાવે છે, જેઓ ફ્રોડ સ્કીમ દ્વારા વૃદ્ધોનો શિકાર બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter