વોશિંગ્ટનઃ અમેરિકાની સૌથી મોટી ક્રૂડ ઓઈલની પાઈપલાઈન પર થયેલા સાયબર એટેક પછી બાઈડેન એડમિનિસ્ટ્રેશને ઈમર્જન્સી જાહેર કરી છે. જે કોલોનિયલ પાઈપલાઈન કંપની પર હુમલો થયો છે, તે રોજ ૨૫ લાખ બેરલ ક્રૂડ સપ્લાય કરે છે. આ પાઈપલાઈનથી અમેરિકાના પૂર્વ કિનારાના રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને વિવિધ ગેસ સપ્લાય કરાય છે.
આ સાઈબર હુમલા પાછળ ડાર્કસાઈડ નામના હેકર ગ્રૂપનો હાથ હોવાનું કહેવાય છે. તેમણે કોલોનિયલ કંપનીના નેટવર્કને હેક કરીને આશરે ૧૦૦ જીબી ડેટા પણ ચોરી લીધો છે. આ હેકરોએ કેટલાક કમ્પ્યુટર લોક કરીને ખંડણી માંગી છે. તેમણે ધમકી આપી છે કે, ખંડણી નહીં મળે તો તમામ ડેટા ઈન્ટરનેટ પર લીક કરી દઈશું. અમારો હેતુ ફક્ત ખંડણી વસૂલવાનો છે, નહીં કે લોકોને હેરાનપરેશાન કરવાનો. અમે નથી ઈચ્છતા કે, આ હુમલાથી લોકોને મુશ્કેલી પડે.
હેકરોએ આ પાઈપલાઈનની સાઈબર સુરક્ષા પર સાતમી મેના રોજ હુમલો કર્યો હતો. તેને હજુ સુધી રિપેર નથી કરી શકાઈ. જોકે, રિકવરી ટેન્કર્સ થકી ક્રૂડ અને ગેસનો પુરવઠો ન્યૂયોર્ક સુધી પહોંચાડાઈ રહ્યો છે. આ સાઈબર હુમલાની અસર એટલાન્ટા અને ટેનેસી જેવા રાજ્યો પર વધુ પડશે. થોડા સમય પછી ન્યૂ યોર્ક સુધી પણ અસર દેખાઈ શકે. રવિવારે રાત સુધી કંપનીની મુખ્ય ચાર લાઈન ઠપ થઈ ગઈ છે. જોકે, હુમલાની જાણ થયા પછી કંપનીએ પોતાની કેટલીક લાઈનો બંધ કરી દીધી હતી.