વોશિંગ્ટનઃ અમેરિકાના સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ન્યૂયોર્કમાં વિદ્યાર્થીઓ પૂરી ક્ષમતા સાથે સ્કૂલોમાં પાછા ફર્યા છે. આ ઘણાં વાલીઓ માટે રાહતની વાત હશે પણ તેમાં જોખમ પણ છે. ૨ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં કુલ સંક્રમણ પૈકી ૨૫ ટકા બાળકો હતા. અમેરિકાના બીજા સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ લોસ એન્જલસમાં બાળકોએ ચાર અઠવાડિયા અગાઉ અભ્યાસ શરૂ કર્યો છે.
ટેક્સાસના ટુલોસો - મિડવે સ્કૂલ ડિસ્ટ્રિક્ટના વિદ્યાર્થીઓ જુલાઇથી સ્કૂલે જઇ રહ્યા છે. વાલીઓને ચોક્કસ સવાલ થતો હશે કે સંક્રમણ વધવાનું કારણ સ્કૂલો ખુલવી તો નથી ને ? અભ્યાસમાં જણાયું હતું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હવા-ઉજાસવાળા ક્લાસરૂમ તથા અન્ય જરૂરી તકેદારીઓ સાથે શાળાકીય શિક્ષણ જોખમી નથી. આ ઉપાયો વિના સંક્રમણ ફેલાવાનું જોખમ વધી જાય છે.
મેમાં કેલિફોર્નિયાની મારિન કાઉન્ટીમાં એક નોન - વેક્સિનેટેડ પ્રાઇમરી સ્કૂલના ટીચરે ડઝનબંધ વિદ્યાર્થીઓને સંક્રમિત કરી દીધા. સ્કૂલોમાં સંક્રમણ રોકવા માટેના નિયમો રાજ્યો ઘડે છે. ઘણાં રૂઢિવાદી રાજ્યોમાં સ્કૂલમાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ છે. અમેરિકામાં ૧૦ થી વધુ રાજ્યોની સ્કૂલોમાં માસ્ક ફરજિયાત છે.