યુક્રેન યુદ્વમાં પરમાણુ હુમલાની આશંકાઃ અમેરિકાએ રૂ. 3 હજાર કરોડનું આયોડિન ખરીદયું

Saturday 22nd October 2022 06:01 EDT
 
 

ન્યૂ યોર્ક: યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા પરમાણુ હુમલો કરી શકે છે એવી આશંકાને પગલે અમેરિકાએ સાવચેતીના ભાગરૂપ રૂ. 2,389 કરોડની આયોડિન દવાઓ ખરીદવાનો નિર્ણય કર્યો છે. પુટિને ગત 24 સપ્ટેમ્બરે ધમકી આપી હતી કે ‘યુક્રેન સાથેનું યુદ્ધ જીતવા અને પશ્ચિમી દેશોને જવાબ આપવા અમે અમારાં બધાં ખતરનાક હથિયારોનો ઉપયોગ કરીશું, અમારી પાસે દુનિયાભરમાં વિનાશ વેરવાનાં ખતરનાક હથિયાર છે’. આ પછી પરમાણુ હુમલાની આશંકાને પગલે બીજી ઓક્ટોબરે અમેરિકી સરકારે 2,389 કરોડ રૂપિયાની આયોડિન દવા ખરીદવાની જાહેરાત કરી હતી.
બાઈડેન સરકારે કહ્યું કે, કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર હુમલાથી બચવા આ દવાઓ ખરીદાઇ છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર એક સાથે આટલી આયોડિન ગોળીની ખરીદી કરવામાં આવી છે. માત્ર અમેરિકા જ નહીં, યુરોપમાં પણ આવી દવાઓનું વેચાણ ઝડપથી વધ્યું છે. રશિયા-યુક્રેનને અડીને આવેલા દેશ પોલોન્ડની રાજધાની વોર્સોમાં આ પ્રકારની દવાના વિતરણ માટે 600થી વધુ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવાયાં છે.
પુટિનના આક્રમક નિવેદનના પગલે 13 દિવસ બાદ બાઈડેને 7 ઓક્ટોબરે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘દુનિયા છેલ્લા યુદ્ધની નજીક પહોંચી ગઈ છે’.
આ નિવેદન બાદથી જ પરમાણુ યુદ્ધની ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે આ નિવેદન અગાઉ જ અમેરિકી સરકારે આયોડિન ગોળી ખરીદવાનું શરૂ કરી દીધું હતું. સાથે યુરોપિયન યુનિયને પ્રેસ રિલીઝ જારી કરી યુક્રેને 55 લાખ પોટેશિયમ આયોડાઈડની ગોળી મોકલવાની વાત કરી હતી.
ન્યુક્લિયર એટેકમાં આયોડિન
કેવી રીતે રક્ષણ કરે છે
પરમાણુ વિસ્ફોટ થતાં જ ‘રેડિયોએક્ટિવ આયોડિન’ (I-131) હવામાં તરવા લાગે છે. ત્યારે તે ન તો સૂંઘી શકાય છે, ન જોઈ શકાય છે. તેનો સ્વાદ પણ જાણી શકાતો નથી. તે શ્વાસ દ્વારા અથવા સ્કિન દ્વારા શરીરમાં પ્રવેશી જાય છે. જેના પરિણામે થાઈરોડ, કેન્સર, ટ્યુમર, આંખોની બીમારી, લ્યુકેમિયા અને મેન્ટલ ડિસઓર્ડર જેવા રોગ થાય છે. તે કેમિકલના સંપર્કમાં આવતા જ લોકોનું થોડા જ કલાકોમાં મૃત્યુ થઈ જાય છે. આ સમયે જ આયોડિન દવા કામ લાગે છે.
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સન (CDC)નું કહેવું છે કે, પોટેશિયમ આયોડાઈડ દવામાં નોન-રેડિયોએક્ટિવ આયોડિન ઘણી માત્રામાં હોય છે જે વધારે આયોડિનને શરીરમાં પ્રવેશ કરતા રોકે છે. હવામાં તરતું I-131 શરીરમાં પ્રવેશી જાય તો તે થાઈરોડ ગ્લેન્ડમાં ટિશ્યુઝ બની જાય છે, આ દવા તેને દુર કરવાનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter