વોશિંગ્ટનઃ યુએસ એડમિનિસ્ટ્રેશને છેવટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદતું ફરમાન જારી કરી દીધું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં લખાયું છે: ભારત સરકાર રશિયા પાસેથી સીધી અને આડકતરી રીતે ઓઇલ આયાત કરી રહી છે. આવી સ્થિતિમાં અમેરિકામાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાગુ થશે. માર્ચ 2022ની શરૂઆતમાં અમેરિકાએ એક આદેશ જારી કરીને તેના દેશમાં રશિયન તેલ અને સંબંધિત ઉત્પાદનોની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને જાણવા મળ્યું છે કે ભારત રશિયન ઓઇલ ખરીદી રહ્યું છે, જે રશિયાને આર્થિક રીતે મદદ કરી રહ્યું છે. આ કારણે ભારત પર નવો ટેરિફ લાદ્યો છે.
બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને અયોગ્ય ગણાવતાં કહ્યું હતું કે અમેરિકાએ હાલમાં જ ભારત દ્વારા રશિયામાંથી કરાઇ રહેલી ઓઇલની આયાતને નિશાન બનાવી છે. અમે બજાર સ્થિતિના આધારે ઓઇલ ખરીદીએ છીએ અને એનો ઉદ્દેશ 1.4 બિલિયન ભારતીયો માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લાદી રહ્યું છે, જ્યારે ઘણા અન્ય દેશો પોતાના હિતમાં પણ આવું જ કરી રહ્યા છે.
ભારત બીજો સૌથી મોટો ખરીદદાર
ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2 ટકા (68 હજાર બેરલ પ્રતિ દિવસ) ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45 ટકા (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 બિલિયન ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન ઓઇલ ખરીદી રહ્યું છે.


