ન્યૂયોર્કઃ હાલ બેજિંગમાં ચાલી રહેલી વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર હુમલો કરી શકે તેવી દહેશત અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે રશિયાની આક્રમકતા જોતાં ગમે ત્યારે હુમલો થવાની ભીતિ છે. રશિયાના ખતરનાક ઈરાદા જોતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના દેશના નાગરિકોને યુક્રેન છોડવા અનુરોધ કર્યો હતો.
બીજી બાજુ રશિયાના એક લાખથી વધુ સૈનિકોએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરી લીધું છે. રશિયાએ યુક્રેન સાથેની સરહદે એક લાખથી વધુ સૈનિકો ખડકી દીધા છે. આ ઉપરાંત બેલારુસમાં પણ રશિયાના ૩૦ હજાર સૈનિકો યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. રશિયાની શક્તિશાળી નેવીએ વિરાટકાય યુદ્ધજહાજ યુક્રેન પાસેના દરિયામાં ગોઠવ્યા છે.
અમેરિકન પ્રમુખ જો બાઈડને પોતાના દેશના નાગરિકોને શક્ય તેટલા જલ્દી યુક્રેન છોડવા અનુરોધ કર્યો હતો. બાઈડને આશંકા વ્યક્ત કરી હતી કે હવે રશિયા સાથે યુદ્ધ થાય તેવા સંજોગો સર્જાયા છે. બાઈડને ઉમેર્યું કે હાલ આપણે દુનિયાના કોઈ આતંકી સંગઠન સાથે નહીં, પરંતુ દુનિયાની સૌથી શક્તિશાળી સેનાનો સામનો કરી રહ્યા છીએ. પરિસ્થિતિ ગમે ત્યારે ખતરનાક બની શકે છે.