રશિયા સાથેના કરારને લીધે અમેરિકા ભારત પર પ્રતિબંધ મૂકે તેવી શક્યતા

Wednesday 19th January 2022 07:10 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડેનના પ્રતિબંધ પોલિસી સલાહકાર જેમ્સ ઓ બ્રાયને ભારતને આડકતરી ધમકી આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયા પાસેથી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ - ૪૦૦ની ખરીદી બદલ અમેરિકા ભારતને નિરાશ કરી શકે છે. જોકે, ભારત પર પ્રતિબંધ મૂકવો કે કેમ તે બાબતે અમેરિકાએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.
ભારતે ૨૦૧૮માં રશિયા સાથે પાંચ બિલિયન ડોલરનો કરાર કર્યો હતો. એ પ્રમાણે રશિયા ભારતને પાંચ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપશે. એમાંથી એક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ - ૪૦૦નું ઈન્સ્ટોલેશન થઈ રહ્યું છે અને ફેબ્રુઆરીમાં તે એક્ટિવ પણ થઈ જશે.
રશિયાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી તેનાથી અમેરિકાએ શરૂઆતથી જ વાંધો ઉઠાવ્યો હતો. ટ્રમ્પ પ્રમુખ હતા એ વખતે જ અમેરિકન સરકારે આ બાબતે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. બાઈડેનની સરકારે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ હવે જ્યારે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કાર્યરત થવાની તૈયારીમાં છે ત્યારે ભારત ઉપર જે કાયદા હેઠળ રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ જ કાયદા હેઠળ પ્રતિબંધ મૂકવાની આડકતરી ધમકી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter