નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં ટ્રેડ ડીલ પર વાત ચાલે છે. આ મંત્રણામાં અમેરિકા સતત તે વાત પર ભાર મૂકી રહ્યુ છેકે છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરે. બીજી તરફ, ભારતનો જવાબ છે કે અમેરિકાએ ભારતને ઈરાન અને વેનેઝુએલા જેવા દેશ પાસેથી તેલ આયાતની છૂટ આપવી જોઈએ તો તે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવા તૈયાર થઇ શકે છે.
અમેરિકન વાટાઘાટકારોએ ભારત સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતે ટેરિફ ઘટાડવો હોય અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવું હોય તો તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું જોઇએ. જોકે આ સિવાયની મોટાભાગની બાબતોને લઈને સંમતિ સધાઈ ગઈ હોવાનું મનાય છે. અમેરિકાના દબાણની સામે ભારતનો જવાબ છે કે એક સાથે રશિયા, ઈરાન અને વેનેઝુએલા ત્રણેય દેશો પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવામાં આવે તો ફક્ત ભારતનો જ ઓઈલ પુરવઠો ખોરવાય એવું નથી, પણ વિશ્વસ્તરે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઉછાળો થઈ શકે છે, જે હાલમાં પ્રતિ બેરલ 65થી 70 ડોલરની વચ્ચે છે. એકલું રશિયા એક કરોડ બેરલ ઓઇલ વિશ્વને પૂરુ પાડે છે. આટલા મોટા પુરવઠાકાર પાસેથી પુરવઠો બંધ કરાવવો સહેલી વાત નથી.


