રાજકારણીઓને લાંચના આરોપસર રેસ્ટોરાંમાલિક હરેન્દ્રસિંહ જેલભેગા

Tuesday 01st August 2023 14:54 EDT
 
 

ન્યૂ યોર્કઃ શક્તિશાળી સ્થાનિક રાજકારણીને સજા કરાવવા અને વ્યાપક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં મદદરૂપ બનેલા 64 વર્ષીય અગ્રણી ભારતીય અમેરિકન રેસ્ટોરાંમાલિક હરેન્દ્ર સિંહને રાજકારણીઓને લાંચના આરોપસર બુધવાર 26 જુલાઈએ ચાર વર્ષ માટે જેલની સજા કરાઈ છે. આશરે ડઝન રેસ્ટોરાં અને કેટરિંગ ફેસિલિટીઝના માલિક હરેન્દ્ર સિંહે 2016માં લાંચ, ટેક્સ કાયદાના ભંગ તેમજ ધંધાકીય નુકસાનને આગળ ધરી ફેડરલ એજન્સી સમક્ષ 1 મિલિયન ડોલરનો ખોટો ક્લેઈમ કરવા સહિત આઠ આરોપોની કબૂલાત કરી લીધી હતી.

ફેડરલ જજ જોઆન અરઝાકે ભ્રષ્ટાચારના કેસમાં સરકારને સહકાર આપવા બદલ હરેન્દ્ર સિંહને પ્રમાણમાં હળવી સજા ફટકારી હતી. પ્રોસિક્યુશને 14 ½ થી 17 વર્ષની સજાની માગણી કરી હતી. ન્યૂ યોર્ક સિટીની નજીક નાસાઉ કાઉન્ટીમાં સ્થાનિક સરકારના વડા એડવર્ડ માન્ગાનોની ટ્રાયલમાં હરેન્દ્ર સિંહે વ્યાપક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતી જુબાની આપી હતી. રેસ્ટોરાંમાલિક પાસેથી નાણા લેવા બદલ એડવર્ડ માન્ગાનોને 12 વર્ષની સજા થઈ હતી જ્યારે તેની પત્ની લિન્ડાને 15 મહિનાની સજા થઈ હતી.

હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે તેણે વોટરફ્રન્ટ રેસ્ટોરાંની રાહત દરે સિટી લીઝ મેળવવા ન્યૂ યોર્કના પૂર્વ મેયર બિલ ડી બાલ્સિઓને લાંચ આપી હતી. ઓઈસ્ટર બે ટાઉનના પૂર્વ વડા જ્હોન વેન્ડિટ્ટોને પણ લાંચ આપ્યોનો દાવો હરેન્દ્ર સિંહે કર્યો હતો પરંતુ, તે ટ્રાયલમાં છૂટી ગયો હતો.

હરેન્દ્ર સિંહને સજા કરાઈ તે જ દિવસે જજ અરઝાકે ઓઈસ્ટર બે ટાઉનના વકીલ ફ્રેડરિક મેઈને 70,000 ડોલરની લાંચ, કાર લીઝ અને વેકેશનની મોજ લેવા બદલ બે વર્ષની સજા ફરમાવી હતી. હરેન્દ્ર સિંહે ઓઈસ્ટર બે તરફથી 20 મિલિયન ડોલરની લોનની ગેરન્ટી મળે તે માટે લાંચ આપી હતી. જજે 22 મિલિયન ડોલર પરત ચૂકવવા હરેન્દ્ર સિંહને આદેશ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter