રામાયણ આદર્શ સંબંધો શીખવે છેઃ હિન્દુઓ-શીખો વિરોધી હિંસાને વખોડતા મેયર મમદાની

Friday 27th November 2026 04:11 EST
 
 

ન્યૂ યોર્ક: અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ વધતી વંશીય નફરત સામે હવે ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ ખૂલીને મારચો ખોલ્યો છે. હિંદુઓ અને શીખોને નિશાન બનાવતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં મમદાનીએ સ્પષ્ટ કહ્યું કે નફરત ફેલાવનારાઓને રોકવા અને એવી વિચારધારાને સમાજમાંથી દૂર કરવાની આપણા સૌની જવાબદારી છે. તેમણે એટલે સુધી કહ્યું કે જે નફરતને ક્યારેક સમાજના હાંસિયા પર માનવામાં આવતી હતી તે હવે રાજકીય અભિયાનોનો ભાગ બનતી જાય છે. આ દરમિયાન મમદાનીએ રામાયણ અને મહાભારતનો ઉલ્લેખ કર્યો, સાથે જ હિંદુ ધર્મનાં વખાણ કર્યા.
મમદાનીએ મંગળવારે ન્યૂ યોર્કમાં આયોજિત દિવાળી સમારંભ દરમિયાન આ વાતો કહી. મમદાનીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જયારે અમેરિકાના 13 સાંસદોએ સિએટલમાં દિવાળીના એક કાર્યક્રમમાં અવરોધ ઊભો કરવાની ઘટનાને સંભવિત હેટ ક્રાઈમ માનીને તપાસની માગ કરી છે. દિવાળી સમારંભને સંબોધતાં મમદાનીએ છેલ્લા 12 મહિનામાં હિંદુઓ અને શીખો વિરુદ્ધ થયેલી નફરત સાથે સંકળાયેલી ઘણી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમણે લોકોને નફરત અને ભાગલાના રાજકારણને ફગાવી દેવાનો અનુરોધ કરતાં કહ્યું કે સમાજમાં નફરત માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ. ન્યૂ યોર્કના પ્રથમ ભારતીય-અમેરિકન મેયર મમદાનીએ સમારંભમાં દિવાળી સાથે સંકળાયેલી યાદો તાજી કરતાં કહ્યું કે તેમના માટે જીવનભરનું સન્માન અને સૌભાગ્ય છે કે તેઓ પ્રથમ ભારતીય અમેરિકન મેયર તરીકે પોતાના શહેરના લોકો સાથે દિવાળી ઊજવે છે. મમદાનીએ હિંદુ ધર્મના ગ્રંથો રામાયણ અને મહાભારત પ્રત્યે સન્માન પ્રકટ કરતાં કહ્યું કે રામાયણ આપણને શીખવે છે કે આપણે કેવા ભાઈ, પત્ની, પતિ અને મિત્ર બનવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter