રાહિશ કાલરિઆને કોરોના ફળ્યોઃ યુએસમાં મલ્ટિમિલિયન ડોલરની રિસર્ચ સંસ્થા સ્થાપી

નિશ્ચલ સંઘવી Wednesday 15th February 2023 04:23 EST
 
 

કોવિડ મહામારી માનવજાત અને અર્થતંત્રો માટે મોટાભાગે ભારે નુકસાનકારી બની રહી પરંતુ, એવી પણ કેટલીક ઘટનાઓ છે જેમાં તે છૂપા આશીર્વાદ સમાન બની રહી હતી. ભારતના ગુજરાતમાં પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કરીને 25 વર્ષીય રાહિશ કાલરિઆ ગ્રેજ્યુએશન માટે અમેરિકા ગયો હતો. પોતાના અભ્યાસના બીજા જ વર્ષમાં તેણે કોલેજના સહાધ્યાયી અનીશ સાથે મળી યુએસમાં સ્ટાટ-અપ શરૂ કરવાની યોજના ઘડી હતી.

યુએસમાં કંપનીઓ વિદ્યાર્થીઓ દ્વારા મૂકાતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ મારફત પોતાના સંદેશા ફેલાવતી હોય છે. જોકે, કોવિડ લોકડાઉન ગાળામાં માર્કેટમાં ભારે ઉથલપાથલ થવાથી તેમને વધુ ક્લાયન્ટ મળવાના બંધ થઈ ગયા. જોકે, આજ ગાળામાં તેમણે સમગ્ર અમેરિકામાં 60,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ હાંસલ કરી લીધી હોવાથી કેટલીક કંપનીઓએ આ વિદ્યાર્થીઓ મારફત કોવિડ સંબંધિત સર્વે કરાવવા રાહિશ અને અનીશનો સંપર્ક સાધ્યો હતો.

રાહિશ કહે છે કે,‘આનાથી અમારા મગજમાં એક તિખારો સર્જાયો હતો. નિયમિત સર્વે પદ્ધતિઓ પર આધારિત કરાતાં સંશોધનોમાં વિશાળ ઓડિયન્સ સુધી પહોંચવા ખર્ચાતો સમય, નકામા-ફાલતુ જવાબોનું જોખમ અને એનાલિટિકલ ડેટામાં છીંડા જેવી ઘણી ખામીઓ રહે છે. અમે કન્ઝ્યુમર્સ પાસેથી સ્નેપચેટ અને ટિકટોક સ્ટાઈલના વીડિઓ ફિડબેક થકી પ્રમાણભૂત માર્કેટ રિસર્ચ કરવામાં કંપનીઓને મદદરૂપ થવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા હાઈ-ટેક રિસર્ચ પ્લેટફોર્મના નિર્માણની યોજના બનાવી હતી. અમે કોવિડના સમયગાળામાં તેના પર અથાક કામગીરી કરી હતી. અમે જાન્યુઆરી 2021માં બ્રાન્ડ્સને હાઈ ક્વોલિટી, ઓટોમેટેડ રિસર્ચ ઝડપથી અને મોટા પાયે કરવાની ક્ષમતા આપતા પ્લેટફોર્મ ‘Knit–નીટ’નું લોન્ચિંગ કર્યું. AI ટેક્નિક્સ સાચી-પ્રમાણભૂત માહિતી મેળવવા માટે અભિપ્રાયો, લાગણીઓ, વંશીયતા અને અવાજની માત્રા જેવા પરિબળોનું વિશ્લેષણ કરે છે. અમે કોઈ પણ સમયે પ્રતિભાવ આપવા તત્પર હોય તેવા વિવિધ ડેમોગ્રાફીઝ, વય અને સામાજિક પશ્ચાદભૂ ધરાવતા 5 મિલિયનથી વધુ પ્રતિભાવકોનું જોડાણ પણ બનાવ્યું છે. વાસ્તવમાં, રંપનીઓ સર્વેના પ્રશ્નો ઉભા કરે ત્યાંથી માંડી બંધબેસતા ઓડિયન્સના હજારો પ્રતિભાવો મેળવવા, ટ્રાન્સ્ક્રીપ્શન્સ, એનાલિસિસ, ગ્રાફિકલ રજૂઆતો, અને અન્ય ઘણી બાબતો સામાન્યપણે ચાર કલાકથી ઓછાં સમયમાં પરિપૂર્ણ થઈ જાય છે. કંપનીઓને પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ વધુ વિશ્વાસપાત્ર અને ઉપયોગી પરિણામો મળી રહ્યા છે અને તેઓ વધુ કામગીરી સાથે અમારો સંપર્ક કરી રહી છે.

સ્થાપના થયાના માત્ર બે વર્ષમાં જ ‘નીટ’ને યુએસસ્થિત વેન્ચર ફંડ્સ દ્વારા 3 મિલિયન પાઉન્ડનું ફંડ મળ્યું છે. JBL, NASCAR, WNBA, Cargill જેવી કંપનીઓ સહિત ટોપ લેવલના 50થી વધુ ક્લાયન્ટ્સ ધરાવતી કંપની આ વર્ષે 1 મિલિયન પાઉન્ડ જેટલો બિઝનેસ પૂર્ણ કરશે અને 2023માં બિઝનેસ બમણો કરવાનું લક્ષ્યાંક છે. રાહિશની કંપનીમાં હાલ 24 કર્મચારી કામ કરે છે અને એક વર્ષમાં તેમની સંખ્યા બમણી કરવાનું તેમનું લક્ષ્ય છે.

રાહિશની માતા હર્ષાબહેન કાલરિઆ ભારતમાં રહે છે. તેઓ કહે છે કે,‘ રાહિશ માટે સતત ફરતા રહેવાનું કાર્ય કોઈ સહેલી યાત્રા ન હતી. ગત બે વર્ષમાં રાહિશે યુએસના 14 રાજ્યોમાં 38 શહેરોની મુલાકાત લીધી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter