વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતીય-અમેરિકન રિચાર્ડ આર. વર્માની વિદેશ વિભાગમાં વરિષ્ઠ હોદ્દા પર નિમણૂક કરી છે. વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ બાઇડેને વર્માની મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસના ડેપ્યુટી સેક્રેટરી પદે વરણી કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન સમકક્ષ આ હોદ્દો છે.
વર્મા હાલમાં માસ્ટરકાર્ડમાં ચીફ લો ઓફિસર અને ગ્લોબલ પબ્લિક પોલિસીના વડા છે. તેમણે બરાક ઓબામાના વહીવટી તંત્ર દરમિયાન ભારતમાં યુએસએના રાજદૂત અને કાયદાકીય બાબતોના રાજ્યના ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે યુએસએના સેનેટર હેરી રીડના સિક્યુરિટી એડવાઇઝર તરીકે પણ સેવા આપી હતી. તે જ સમયે વર્મા ડેમોક્રેટિક વ્હિપ, માઇનોરિટી લીડર અને યુએસ સેનેટ લીડર પણ હતા.
વર્માએ ધ એશિયા ગ્રૂપના વાઇસ ચેરમેન, સ્ટેપ્ટો એન્ડ જોનસન એલએલપીમાં પાર્ટનર અને સિનિયર કાઉન્સેલ અને ઓલ્બ્રાઇટ સ્ટોનબ્રિજ ગ્રુપના સિનિયર કાઉન્સેલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ યુએસ એરફોર્સ સાથે પણ સંકળાયેલા છે, જ્યાં તેમણે જજ એડવોકેટ તરીકે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી વિશિષ્ટ સેવા મેડલ, વિદેશી સંબંધો પર કાઉન્સિલ તરફથી આંતરરાષ્ટ્રીય બાબતોની ફેલોશિપ અને યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ તરફથી સર્વિસ મેડલ સહિત પુરસ્કારો અને સન્માન મેળવ્યા છે. તેઓ ધ ફોર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત ઘણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ રહી ચૂક્યા છે, જેમાં નેશનલ એન્ડોવમેન્ટ ફોર ડેમોક્રેસી અને લેહાઈ યુનિવર્સિટી પણ સામેલ છે.