રૂ. 30 કરોડના ડ્રગ્સની ઘુસણખોરીના કેસમાં ભારતીયને કેદ

Saturday 28th January 2023 14:52 EST
 
 

વોશિંગ્ટનઃ યુએસ કોર્ટે 34 વર્ષીય ભારતીય નાગરિકને દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં દોષી ઠેરવીને તેને 7 વર્ષની સજા ફટકારી છે. તેના પર સિંગાપુર અને ભારતમાંથી લગભગ રૂપિયા 30 કરોડનું ઓપીયોઈડ અમેરિકામાં ઘુસાડવાનો આરોપ સાબિત થયો છે.
બોસ્ટન કોર્ટના જણાવ્યા અનુસાર મનીષ કુમાર નામના આરોપીએ ગેરકાયદે અને અમેરિકામાં પ્રતિબંધિત હોય તેવી નશીલી દવાઓ દેશમાં ઘુસાડી હતી. કોર્ટે મનીષ કુમારને 87 મહિનાની જેલની સજા સંભળાવી હતી.
આ સાથે જ કોર્ટે ડ્રગ માફિયાને રૂપિયા 81 લાખનો દંડ ફટકાર્યો હતો. મનીષ કુમાર ભારતીય કોલ સેન્ટરના માધ્યમથી અમેરિકામાં હાઈટેક નેટવર્ક ચલાવતો હતો. કુમાર ડ્રગ્સનું વેચાણ વધારવા માટે કોલ સેન્ટરના કર્મીઓને સંભવિત ગ્રાહકોના ડેટા પહોચાડતો હતો. તે જાહેરખબરોના માધ્યમથી પણ સંભવિત ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરતો હતો.
કોર્ટના અવલોકન મુજબ, મનીષ કુમાર સિંગાપુર અને ભારતથી મોકલવામાં આવેલા શિપમેન્ટને પોતે જ મેનેજ કરતો હતો. આ સાથે જ તે આ શિપમેન્ટને અમેરિકાના મેસેચ્યુસેટ્સ અને બીજા રાજ્યોમાં પહોચાડતો હતો. મનીષ કુમાર ડ્રગ્સના ધંધામાં પોતાનું સામ્રાજય ઊભું કરી રહ્યો હતો.
રિપોર્ટે મુજબ, તે રૂ. 30 કરોડથી વધુનું ડ્રગ્સ અમેરિકામાં વેચવામાં સફળ રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કુમાર મુંબઈ સ્થિત મિહુ બિઝનેસ સોલ્યુશન નામની પ્રાઈવેટ લિમિટેડ કંપની ચલાવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter