રેસિસ્ટ ધમકીઓના કેસમાં વૃદ્ધ શીખની તરફેણમાં કોર્ટનો ચુકાદો

નોર્ધર્ન કેલિફોર્નિયા પોલીસે ધમકીઓની અપૂરતી તપાસ કર્યાનો આક્ષેપ માન્ય

Wednesday 08th February 2023 01:45 EST
 
 

સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકાની કોર્ટે રેસિસ્ટ ધમકીઓના કેસમાં 66 વર્ષીય વૃદ્ધ શીખ રૂબલ ક્લેરની તરફેણમાં ચુકાદો આપ્યો છે. એડવોકસી ગ્રૂપ શીખ કોએલિશને જણાવ્યા મુજબ ક્લેરે 2021માં તેમના વિરુદ્ધ ઘૃણા આઘારિત ધમકીઓની તપાસ યોગ્યપણે કરાઈ નથી અને તેમને ન્યાય મળ્યો નહિ હોવાના મુદ્દે સટર કાઉન્ટી શેરીફની ઓફિસ (SCSO) અને સટર કાઉન્ટી સામે કાનૂની કાર્યવાહી કરી હતી.

મે 11, 2021ના દિવસે સાઉથ બ્યૂટે માર્કેટના સ્ટોરમાં એક મહિલાએ ક્લેરની સામે અપશબ્દોની અને વંશીયતાલક્ષી બૂમબરાડા કર્યા હતા. ક્લેર સાથે કાર અથડાવી દેવાની ધમકી સાથે તે મહિલાએ કાર ચલાવી હતી અને છેલ્લી ઘડીએ વાહન દૂર લઈ ગઈ હતી. આ જ દિવસે સાંજે તે મહિલા સાથે સંકળાયેલી અન્ય વ્યક્તિએ ક્લેરના ઘરની બહાર સાઈડવોક અને તેના ડ્રાઈવવે પર ચોકથી ‘SAND N*GGER’ શબ્દ લખ્યો હતો. ક્લેર ઘરની બહાર નીકળ્યા ત્યારે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ હતી.

સટર કાઉન્ટી શેરીફની ઓફિસ આ દિવસની બે ઘટનાની યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું શીખ કોએલિશન ગ્રૂપે નિવેદનમાં જણાવ્યું હતું. ઓફિસરોએ ફોટોગ્રાફ્સ લીધા વિના જ ક્લેરના ડ્રાઈવે પરથી વાંધાજનક લખાણો ધોઈ નાખવાનો પ્રયાસ કરી પુરાવા સાથે ચેડાં કર્યા હતા. આ પછી SCSOએ ઘણા મહિનાઓ સુધી કેસ ફરી ન ઉખેળતા ક્લેરે મે 2022માં સટર કાઉન્ટી શેરીફની ઓફિસના ડેપ્યુટીઝ, સટર કાઉન્ટી અને રેસિસ્ટ ધમકીઓ આપનારી સંબંધિત મહિલા સામે 41 પાનાની સિવિલ કાનૂની કાર્યવાહી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter