લોન ફ્રોડ કેસના આરોપી નિકેશ પટેલને કરાયેલી સજામાં રંગભેદ અને પક્ષપાતનો આરોપ

Wednesday 23rd November 2022 06:53 EST
 
 

શિકાગોઃ ભારતીય મૂળના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર નિકેશ પટેલને અદાલત દ્વારા કરાયેલી સજામાં રંગભેદ અને પક્ષપાતે મહત્વની ભુમિકા ભજવી છે કે કેમ તેની તપાસ કરવાની માગ સિવિલ રાઇટ્સ લીડર રેવ. જેસી જેક્શન દ્વારા અમેરિકાના એટર્ની સમક્ષ કરાઇ છે. 179 મિલિયન ડોલરની છદ્મ લોન વેચવાના કેસમાં 2018માં 39 વર્ષીય નિકેશ પટેલને ઇલિનોઇસની નોર્ધન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 25 વર્ષની કેદ ફટકારાઇ હતી. પટેલને તેમના શ્વેત સહઆરોપી તિમોથી ફિશર કરતાં પ્રમાણમાં વધુ સજા કરવામાં આવી હતી.
જેસી જેક્શને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નિકેશ પટેલ ભારતીય સમુદાયની મૂલ્યવાન સંપત્તિ છે. આ વધુ એક કેસ છે જેમાં પરિવારને બચાવી શકાય તેમ છે. કપરો સમય ઝાઝો ટકતો નથી પરંતુ મજબૂત લોકો ટકી જાય છે. નિકેશ પટેલને ન્યાય અપાવવા આપણે સાથે મળીને લડત ચલાવીએ. નિકેશ પટેલના માતા-પિતા અજય અને રોહિણી પટેલે જેકશનનો સંપર્ક કરી રજૂઆત કરી હતી કે નિકેશ પટેલને રંગભેદ અને પક્ષપાતના કારણે વધુ સજા કરવામાં આવી છે.
આ કેસમાં શ્વેત સહઆરોપી એવા તિમોથી ફિશરને ફક્ત 10 વર્ષની સજા કરાઇ હતી જ્યારે નિકેશ પટેલને 25 વર્ષની સજા કરાઇ છે. ફિશર અસ્થમાથી પીડાતો હોવાથી તેને બે વર્ષી સજા બાદ રહેમરાહે મુક્ત કરી દેવાયો હતો.
પટેલ દંપતીની દલીલ છે કે તેમનો પુત્ર પણ અસ્થમાથી પીડાય છે અને તેણે કૌભાંડમાં સંડોવાયેલી રકમ પૈકી 86 મિલિયન ડોલર રિકવર કરવામાં પણ મદદ કરી છે. તેમ છતાં તેની સજામાં કોઇ ઘટાડો કરાયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter