વોશિંગ્ટનઃ અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કેલિફોર્નિયા સ્ટેટના મહાનગર લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે હાથ ધરાયેલી આકરી કાર્યવાહીના પગલે હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર આગજની - હિંસા - તોડફોડ અને પથ્થરમારાની ઘટના બાદ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અનેક સ્થળે નેશનલ ગાર્ડ્સને તૈનાત કરાયા છે, પણ ભારેલા અગ્નિ જેવી સ્થિત પ્રવર્તે છે.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરતી એજન્સી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ગયા શુક્રવારે - છઠ્ઠી જૂને લોસ એન્જલસમાં ઠેર ઠેર દરોડા પાડીને 100 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ બાદ વાત વણસી હતી. ICEએ અટકાયતી ઇમિગ્રન્ટ્સને માર માર્યો હોવાના અહેવાલ બાદ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મેટ્રોપોલિટન સેન્ટર પાસે પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે પોલીસે ટીયર ગેસ અને રબરની ગોળીઓ છોડીને 200 દેખાવકારોને તગેડી મૂક્યા હતા. બીજા દિવસે પ્રદર્શનકારીઓ ફરી એકત્ર થયા હતા અને પથ્થરમારો, આગચંપી અને તોડફોડ કરી. આ પછી પોલીસે ફરીથી ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને 118 ઇમિગ્રન્ટ્સ અને ડઝનબંધ દેખાવકારોની ધરપકડ કરી હતી.
નેશનલ ગાર્ડ્સ તૈનાત
હિંસક માહોલને ધ્યાનમાં રાખી પ્રેસિડન્ટ ટ્રમ્પે લોસ એન્જલસમાં 2000 નેશનલ ગાર્ડ્સને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે આમ છતાં રવિવારે સતત ત્રીજા દિવસે પણ દેખાવકારો 101 ફ્રીવે પર કબજો કરવા પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ હાથમાં મેક્સિકોનો ધ્વજ અને આઈસીઈના વિરોધનું પ્લેકાર્ડ લઈને અરાજકતા ફેલાવી હતી. તોફાનીઓએ ઠેર ઠેર હાઇવે પર વાહનવ્યવહાર ખોરવી નાંખ્યો છે. પ્રેસિડન્ટ ટ્રમ્પની ઇમિગ્રેશન સહિતની નીતિઓના વિરોધમાં રસ્તા પર ઉતરી પડેલા તોફાનીઓએ સંખ્યાબંધ વાહનોને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ એક તબક્કે ડિટેન્શન સેન્ટરમાં પ્રવેશવા પ્રયાસ કર્યા બાદ હિંસા વધુ ભડકી હતી. દેખાવકારોનું કહેવું હતું કે, અમારા પર હુમલા થઈ રહ્યા છે. અમને ડરાવાય છે. ધરપકડ કરાયેલા લોકો વર્કર છે. તેઓ કોઈના પિતા, માતા છે. આ બધું બંધ થવું જોઈએ.
મેયર પણ ICEની કાર્યવાહીથી નારાજ
હોમલેન્ડ સિક્યોરિટીના પ્રવક્તાએ જણાવ્યું કે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ અને પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરી ચાર સર્ચ વોરંટ સાથે લોસ એન્જલસમાં ત્રણ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સામાજિક સંગઠન કોએલિશન ઓફ હ્યુમન ઇમિગ્રન્ટ રાઇટ્સના એન્જેલિકા સાલેસનો દાવો હતો કે સાત સ્થળોએથી લોકોની ધરપકડ કરાઇ છે. બીજી તરફ, લોસ એન્જેલસનાં મેયર કૈરન બાસે પણ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ડિટેન્શન સેન્ટર બહાર મોટી સંખ્યામાં સામાજિક સંગઠનોના લોકો એકઠા થયા હતા અને ધરપકડ કરાયેલા ગેરકાયદે વસાહતીઓને છોડી મૂકવાની માગ કરી રહ્યા હતા.
ગવર્નર-મેયર નિષ્ફળ: ડોનાલ્ડ ટ્રમ્પ
શહેરમાં પ્રવર્તતી બેકાબૂ પરિસ્થિતિની પ્રેસિડન્ટ ટ્રમ્પે આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે ‘લોસ એન્જલસ પર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોએ કબજો કરી લીધો છે. રાજ્યનું નેતૃત્વ લાચાર છે. આપણી પાસે એક અસમર્થ ગવર્નર (ગેવિન ન્યૂસમ) અને મેયર (કેરેન બાસ) છે. ડાબેરી વિરોધીઓને હવે સહન કરાશે નહીં.’
કાશ પટેલની દેખાવકારોને ચેતવણી
લોસ એન્જેલસમાં હિંસક દેખાવોના પગલે એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલે દેખાવકારોને ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ ટાળવા માટે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે કોઈ પણ વ્યક્તિ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરશે તેમણે જેલમાં જવું પડશે.
હોમલેન્ડ સુરક્ષા વિભાગે કહ્યું કે, 1,000 દેખાવકારોએ એક ફેડરલ લો એન્ફોર્સમેન્ટ સેન્ટરને ઘેરી લીધું હતું અને ICE એજન્ટો પર હુમલો કર્યો અને ઈમારતને નુકસાન પહોંચાડયું છે. હોમ સિકયુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે કહ્યું કે, તમે કોઈ પણ કાયદાનો અમલ કરનારા અધિકારી પર હુમલો કરશો તો તમારા પર કેસ થશે. એજન્સી સરકારી વાહનો પર પથ્થર ફેંકનારાઓની ઓળખ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ICE દ્વારા ચોથી જૂને એક જ દિવસમાં વિક્રમજનક 2200 ઈમિગ્રન્ટસને પકડવામાં આવ્યા હતા.