લોસ એન્જલસઃ હરિયાણાના જીંદ જિલ્લાના બારાહ કલાં ગામના 26 વર્ષીય કપિલની કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગોળી મારીને હત્યા કરાઇ છે. બારાહ કલાંમાં રહેતા પરિવારના જણાવ્યા અનુસાર, સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કપિલે એક વ્યક્તિને સ્ટોરની બહાર રસ્તા પર ખુલ્લામાં પેશાબ કરતા અટકાવ્યો હતો. તેણે આ બાબતે દલીલ કરીને પછી ગોળી મારી દીધી. કપિલ 2022માં ડંકી રૂટથી અમેરિકા પહોંચ્યો હતો. બારાહ કલાં ગામના સરપંચ સુરેશ કુમાર ગૌતમે કહ્યું હતું કે કપિલની શનિવારે લોસ એન્જલસમાં સ્ટોરની બહાર હત્યા કરાઇ હતી. તે સ્ટોરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.
ઘટનાની માહિતી મળ્યા પછી બારાહ કલાંમાં કપિલનો પરિવાર આઘાતમાં છે. કપિલના માતા-પિતા, બે બહેનો છે, જેમાંથી એક પરિણીત છે. સરપંચ અને પરિવારે કપિલના મૃતદેહને પાછો લાવવા માટે મદદરૂપ થવા ભારત સરકાર અને હરિયાણા સરકારને અપીલ કરી છે.