વાવાઝોડા ડોરિયને બહામાસમાં વિનાશ વેર્યો, ૧૩,૦૦૦ મકાનો જમીનદોસ્ત

Wednesday 04th September 2019 08:59 EDT
 
 

ન્યૂ યોર્કઃ એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું ડોરિયન વાવાઝોડું ૨૯૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રવિવારે બહામાસમાં ત્રાટક્યું હતું. વાવાઝોડાએ આખા પ્રદેશમાં વિનાશ વેર્યો હતો. દસ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગ્રાન્ડ બહામા આઇલેન્ડ પર આશરે ૧૩,૦૦૦ ઘરને વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચ્યું છે. ૩૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં બહામાસના ગ્રાન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચ ફૂટ સુધીના પાણી ભરાયાં હતાં. અમેરિકામાં લેબર ડે નિમિત્તે રવિવારે ફ્લોરિડા જતી ૬૦૦ ફ્લાઇટ્સ રદકરવામાં આવી હતી.
બીજા નંબરનું વાવાઝોડું
કેટેગરી પાંચનું હરિકેન ડોરિયન એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું બીજા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડું લેખાયું છે. આ પહેલાં ૧૯૮૦માં હરિકેન એલન ૩૦૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મેક્સિકો અને ટેક્સાસમાં ત્રાટક્યું હતું. બીજી તરફ પેસિફિક મહાસાગરમાં ૨૦૧૫ના ઓક્ટોબરમાં હરિકેન પેટ્રિસિયા ત્રાટક્યું હતું અને એની સ્પીડ ૩૪૬ કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ તમામે ભારે વિનાશ વેર્યો હતો.
હજારો ઘરોમાં અંધારપટ
વાવાઝોડાથી બહામાના ન્યૂ પ્રોવિન્સ આઇલેન્ડ પર અંધારપટ છવાયો હતો. ઈલેક્ટ્રીક સિટીને નુકસાન થતાં હજારો ઘરોમાં વીજળી પુરવઠો ખંડિત થયો હતો. દરિયા કિનારે અનેક બોટ ઊંધી વળી ગઈ હતી. આ વાવાઝોડાની અસર ફ્લોરિડા, ર્જ્યોજિયા અને નોર્થ અને સાઉથ કેરોલિનામાં પણ જોવા મળી હતી. વાવાઝોડાના માર્ગમાં આવતા વિસ્તારોમાંથી ૧૫ લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે. જો વાવાઝોડું એનો રસ્તો બદલે તો ઓરલેન્ડો અને વોલ્ટ ડિઝની વર્લ્ડને ભારે નુકસાન થવાની
વકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter