વિઝાધારકો માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ રદ થશે

Friday 04th September 2026 05:04 EDT
 
 

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી શોધવા માટે આપવામાં આવતો 60 દિવસનો ગ્રેસ પીરિયડ રદ કરવા વિચારણા કરાઈ રહી છે. આને કારણે હજારો ભારતીય પરિવારો તેમજ વિદેશી કુશળ વ્યવસાયીઓને મોટો ફટકો પડવાની સંભાવના છે. અમેરિકાનાં હોમલેન્ડ સિક્યુરિટીઝ વિભાગ દ્વારા વિવેકાધીન 60 દિવસનો રાહતનો ગાળો રદ કરવાનાં પ્રસ્તાવને 6 ઓગસ્ટે વ્હાઈટ હાઉસનાં સૂચના વિભાગને મોકલી અપાયો છે. દરખાસ્તની સમીક્ષા 27મી ઓગસ્ટે પૂરી થઈ ગઈ છે. હવે તેમાં સૂચવેલા ફેરફારો સાથે તેનાં અમલની તૈયારી કરાઈ રહી છે. જ્યાં સુધી સરકાર દ્વારા તેને મંજૂરી ન મળે ત્યાં સુધી 60 દિવસનો ગ્રેસ પીરિયડ ચાલુ રહેશે. ગ્રેસ પીરિયડ રદ થશે તો તેની સીધી અસર કેટલાક નોન ઈમિગ્રન્ટસ વર્કર્સ તેમજ H-1B વિઝાધારકો અને તેમનાં ડિપેન્ડન્ટસને થશે.
યુએસએ દુનિયાભરમાં વિઝા એપોઇન્ટમેન્ટ રોકી
ટ્રમ્પ સરકારે કોન્સ્યુલર ઓફિસર્સ માટે નવા ‘ગ્લોબલ ટ્રેનિંગ ઇનિશિયેટિવ’ના ભાગરૂપે દુનિયાભરમાં અમેરિકી દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સ ખાતે વિઝા એપોઈન્ટમેન્ટ્સ રોકી રાખી છે કે પછી રિશિડ્યૂલ કરી છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ મહિને શરૂ કરાયેલી ટ્રેનિંગનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે અધિકારીઓ વિઝા અરજીઓનું સર્વગ્રાહી અને સાતત્યપૂર્ણ મૂલ્યાંકન કરે. ખાસ કરીને એવા અરજદારોને ઓળખવા પર ધ્યાન આપે કે જેઓ પબ્લિક બેનિફિટ્સ પર નિર્ભર રહી શકે છે. આ સઘન ટ્રેનિંગ માટે વિઝા સેવાઓની એપોઈન્ટમેન્ટ્સ એડજસ્ટ કરાશે. એપોઈન્ટમેન્ટ્સ આપવાનું ફરી ક્યારથી શરૂ થશે તે અંગે વિદેશ મંત્રાલયે કંઈ જણાવ્યું નથી. શિડ્યૂલ્ડ ઈમિગ્રન્ટ વિઝા ઇન્ટરવ્યૂવાળા અરજદારોને ઇમેલ દ્વારા જાણ કરાઈ છે કે તેમની એપોઈન્ટમેન્ટ રદ કે રિશિડ્યૂલ કરાઈ છે અને નવી તારીખ બાદમાં અપાશે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ સોમવારે ‘રિફોર્મિંગ ધ H-1B નોન-ઈમિગ્રન્ટ વિઝા ક્લાસિફિકેશન પ્રોગ્રામ’ નામના પ્રસ્તાવિત નિયમની સમીક્ષા માટે વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ ઇન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને મોકલ્યો છે.
આ પ્રસ્તાવને આર્થિક રીતે મહત્ત્વપૂર્ણ શ્રેણીમાં રખાયો છે. એટલે કે તેનાથી દર વર્ષે ઓછામાં ઓછા 10 કરોડ ડોલરની આર્થિક અસર થઇ શકે છે. તે અર્થતંત્ર, નોકરીઓ, ઉત્પાદકતા તેમજ મોટા આર્થિક ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter