વોશિંગ્ટનઃ અમેરિકાએ કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરોને વર્ક વિઝા આપવા પર તત્કાળ અસરથી લાગુ થાય તેમ પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશમંત્રી માર્કો રુબિયોએ શુક્રવારે એક્સ પર લખ્યું હતું કે, ‘અમેરિકાએ કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે તમામ પ્રકારના લેબર વિઝા આપવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકન જીવનને જોખમમાં મૂકી રહી છે અને સ્થાનિક ટ્રક ડ્રાઇવરોની આજીવિકાને પણ અસર કરી રહ્યા છે.’
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ગમખ્વાર અકસ્માત સર્જનાર ભારતીય મૂળના ટ્રકચાલક 28 વર્ષીય હરજિંદર પર વાહન અકસ્માત દ્વારા હત્યાનો આરોપ મૂકાયો છે. હરજિંદર 2018માં ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ્યો હતો. તેણે કેલિફોર્નિયા અને વોશિંગ્ટનથી લાઈસન્સ મેળવવામાં સફળતા મેળવી હતી.
60 હજાર ડ્રાઇવરોની અછત
આ નિર્ણયની અસર ભારતીય ટ્રક ડ્રાઈવરો પર પડી શકે છે. નોર્થ અમેરિકન પંજાબી ટ્રકિંગ એસોસિએશન અનુસાર, 2018માં ટ્રક ઉદ્યોગમાં 30 હજાર શીખ હતા. અમેરિકામાં હાલ 60 હજાર ટ્રક ડ્રાઈવરોની અછત છે.