વિવિધતામાં એકતા ભારતના ડીએનએમાં છેઃ ભાગવત

Tuesday 01st September 2026 04:59 EDT
 
 

વોશિંગ્ટનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ ડો. મોહન ભાગવતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા કહ્યું હતું, વિવિધતામાં એકતા ભારતના ડીએનએમાં છે. તેને સ્વીકારવા અને સન્માન આપવાની સાથે તેનો ઉત્સવ પણ મનાવવો જોઈએ. ભાગવતે શનિવારે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન સ્થિત ઇન્ફોસિસ થિયેટરમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ને સંબોધતા આ લાગણી વ્યક્ત કરી હતી. અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ ફોરમે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાય અને વિવિધ ધર્મોના નેતાઓ સહિત 6 હજારથી વધુ લોકો સામેલ થયા હતા.
ભાગવતે કહ્યું હતું કે અમેરિકાની વાત થાય છે ત્યારે અનેકતાવાદ અને ભારતની વાત થાય ત્યારે વિવિધતામાં એકતાની ચર્ચા થાય છે. સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, દરેક રાષ્ટ્રનો એક સંદેશ, મિશન અને નિયતિ હોય છે. ભારતની નિયતિ વિવિધતામાં એકતાને સમજવી અને સમય-સમય પર દુનિયાને તેનો અહેસાસ કરાવવો છે. આપણે એક છીએ અને વિવિધતા આ એકતાને સજાવે છે. ભાગવતે કહ્યું, જો આપણે દુનિયા પાસેથી લઈએ છીએ તો આપણે પાછું પણ આપવું પડશે. આપણે કેટલું કમાઈએ છીએ તે મહત્ત્વનું નથી, કેટલું વહેંચીએ છીએ તે મહત્ત્વનું છે.
તમારી કર્મભૂમિને વફાદાર રહો
ભાગવતે ભારતીયોને કહ્યું, આપણે અમેરિકામાં રહીએ છીએ, કમાઈએ છીએ, તેથી અમેરિકા પ્રત્યે સચ્ચાઈ હોવી જોઈએ. પ્રવાસી ભારતીયોએ તેના પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. આ કર્તવ્ય નિભાવ્યા પછી તેઓ જન્મભૂમિ ભારત માટે કંઈક કરવા માગતા હોય તો કરી શકે છે. ભારત અપેક્ષા રાખે છે કે તેનાથી મળેલા જીવન મૂલ્યોને આચરણમાં ઉતારે.
આ કાર્યક્રમમાં અમેરિકાના 39 સ્ટેટ, 853 શહેરના લોકો આવ્યા હતા. 250થી વધુ વિદ્યાર્થી સંગઠન સામેલ થયા હતા. 30 દેશના 180 ધાર્મિક નેતાએ ‘વન વર્લ્ડ વન હ્યુમેનિટી કોલ ટૂ એક્શન’ની જાહેરાત કરી હતી. જેમાં કોઈ સમુદાયને નિશાન બનાવવામાં આવે ત્યારે તેની સાથે ઊભા રહેવા સાથે મળીને સેવા કરવાનો સંકલ્પ પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter