વિશ્વના સૌથી ધનાઢય શ્વાનને ૩.૧ કરોડ ડોલરમાં વેંચવું છે માયામીનું મહાલય!

Saturday 11th December 2021 06:26 EST
 
 

ન્યૂ યોર્કઃ આપણે સહુએ રસ્તા પર રખડતાં કૂતરાં તો ઘણાં જોયા હશે, પરંતુ કોઈ કૂતરો કરોડો રૂપિયાની સંપતિનો માલિક હોય અને ધનાઢયનેય ટક્કર મારે તેવી વૈભવી જીવનશૈલી જીવતો હોય તેવું ભાગ્યે જ કોઇએ જોયું હશે. જોકે આવા પણ શ્વાન હોય છે ખરા! જર્મન શેફર્ડ પ્રજાતીનો શ્વાન ગંથર આવો જ નસીબનો બળિયો છે. તેની છઠ્ઠી પેઢી આજે બિલિયોનેરની માફક જીવી રહી છે, તો બીજી તરફ વરવી વાસ્તવિક્તા એ છે કે વિશ્વની વસ્તીના નોંધપાત્ર હિસ્સાને સારું જીવન જીવવાના પણ ફાંફા છે, અને લાખોને બે ટંક ખાવાના પણ સાંસા છે. આ અબજપતિ ડોગ ગંથર-સિક્સે અમેરિકામાં મિયામી ખાતેનું તેનું ભવ્ય મેન્શન ૩.૧ કરોડ ડોલરમાં વેચવા કાઢ્યું છે. આ મેન્શનની માલિકી એક સમયે પોપ સિંગર મેડોનાની હતી. ગંથર-સિક્સને મિયામી ખાતેની મિલકત વારસામાં મળી છે. તેમાં નવ બેડરૂમનો વોટરફ્રન્ટ હોમ છે. ગંથર-સિક્સને દાયકાઓ પહેલાં ગંથર-ફોર પાસેથી વારસાઈમાં આ મિલ્કત મળી હતી. ગંથર-ફોરે પોપસિંગર ડાયેના પાસેથી ૭૫ લાખ ડોલરમાં મિયામી મેન્શન ખરીદ્યું હતું. જર્મન કરોડપતિ મહિલા કાર્લોટા લિબેન્સ્ટેઇન ૧૯૯૨માં મૃત્યુ પામ્યાં ત્યારે પોતાનો ૫.૮ કરોડ ડોલરનો વારસો ગંથર-થ્રીને આપતાં ગયાં હતાં. બસ, ત્યારથી સંચાલકોનું મંડળ એક પછી એક વારસદાર શ્વાનનું લાલનપાલન કરી રહ્યું છે.

બિસ્કાઈન બે પર આવેલી ટસ્કન સ્ટાઈલની વિલા ૩.૧ કરોડ ડોલરમાં વેચાણાર્થે મુકાઈ છે. આ ઘરમાં ગંથર-ફોરનું ચિત્ર છે. મિયામી મેન્સનનો વિસ્તાર ૫૧,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. ચોમેર અદભૂત ગ્રીનરી છવાયેલી છે. વોટર ફ્રન્ટથી માંડીને શહેરનો ખૂબસુરત નજારો આ મેન્શનમાંથી મળે છે. આ મેન્સનમાં ૯ બેડરૂમ અને ૮ બાથરૂમ છે. તેનું કિચન ફાઈવસ્ટાર હોટેલને પણ ઝાંખુ પાડે તેવું છે. આ મકાન એક્સક્લુઝિવ એન્કલેવના છ વોટરફ્રન્ટ હાઉસમાંનું એક છે.
જોકે, વિશ્વનો સૌથી ધનવાન શ્વાન કેવી રીતે આ સંપત્તિ વેચી શકશે તેના પર શંકાના વાદળ છવાયા છે. આ વિલાનું ઈન્ટીરિયર શાનદાર છે. તેમાં ઓછામાં ઓછું ફર્નિશિંગ અને ઘણી બધી ખુરશીઓ અને સોફા છે, જ્યાં ગંથર-સિક્સ બેસે છે.
ગંથરને વારસાઈમાં કેવી રીતે આટલી બધી મિલકત મળી તે મામલે અવારનવાર પ્રશ્નો ઉઠતા રહ્યા હોવા છતાં તે હાલમાં મિયામી ખાતે વૈભવી જીવનશૈલી માણી રહ્યો હોવાની વાત હકીકત છે. ગંથરના ગળામાં પટ્ટો છે તે પણ ડાયમંડનો બનેલો છે. ગંથર મિલાન અને બહામાસનો પ્રવાસ ખેડી ચૂક્યો છે. ગંથર દરરોજ સાંજે રેસ્ટોરાંમાં જમે છે કેમ કે તેને સંભાળનારાઓ માને છે કે તે લોકો સાથે હળેભળેસ, સોશ્યલાઈઝ થાય તે જરૂરી છે.
શેફ ગંથર માટે દરરોજ સવારે બ્રેકફાસ્ટ બનાવે છે. બપોરે લંચમાં મીટ આપે છે. તેની સાથે તાજા શાકભાજી અને ચોખા હોય છે. ગંથર પ્રાઈવેટ જેટમાં પ્રવાસ કરે છે. તેના ટ્રેનર પાસે તે દરરોજ નવા-નવા કૌશલ્ય શીખે છે. અને દિવસના અંતે રેડ વેલ્વેટ બેડમાં દિવસના અંતે સૂઈ જાય છે. મિલકતના વેચાણની મંજૂરી માટે ડોગની મંજૂરી મળી છે કે નહીં તે ચકાસવા રિયલ એસ્ટેટ એજન્ટે તેનો આકરો સ્નિફ ટેસ્ટ લીધો હતો. તેના પછી તેની મંજૂરી મળી હોવાની વાત પર વિશ્વાસ કર્યો હતો.
ગંથરની મુખ્ય સારસંભાળ કરનારાઓમાં એક છે બાવન વર્ષની કાર્લા રિસેટેલી. તે ગંથરના ૫૦ કરોડ ડોલરના ભંડોળનું સંચાલન કરનારા ટ્રસ્ટમાં પણ સામેલ છે. આ બોર્ડ ક્યારે એસ્ટેટ ખરીદવી કે વેચવી તે અંગેનો નિર્ણય લે છે. આ ગ્રૂપે સ્પોર્ટ્સ ટીમ પણ ખરીદી છે, તેમાં મેન્સ સોકર ટીમ અને વિમેન્સ સ્વિમિંગ ટીમનો સમાવેશ થાય છે. તેની પાસે અનેક યાટ અને કારનો પણ સંગ્રહ છે. ગંથરની રિસેટલી ખુદ પ્રાણીપ્રેમી છે. તે ૩૦ વર્ષથી ગંથરની પેઢીઓની સારસંભાળ લઈ રહી છે. હાલમાં એ ગંથરની છઠ્ઠી પેઢીની સારસંભાળ લઈ રહી છે. આમ ગંથર-૬ને એ સ્ટ્રીટમાં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું છે જ્યાં હોલિવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન રહેતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter