વિશ્વની સૌથી મોંઘી વાઇન બોટલ 8.12 લાખ ડોલરમાં વેચાઈ

Tuesday 05th May 2026 10:36 EDT
 
 

ન્યૂ યોર્ક: મહાનગરના મેનહટનના અપર વેસ્ટ સાઈડમાં અમેરિકાના સૌથી જૂના વાઈન વેપારી અને વિશ્વના સૌથી મોટા વાઈન ઓકશન હાઉસ એકરે તાજેતરમાં યોજાયેલી વાર્ષિક લા પોલી હરાજીમાં 1945ની વિન્ટેજ ડોમેઈન દે લા રોમાની-કોન્ટી વાઈનની એક બોટલ 8.12 લાખ ડોલરમાં વેચી હતી.
ઓક્શન હાઉસ એકરના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, 1945ની વિન્ટેજ વાઈન બોટલના વેચાણે વાઈન કલેક્ટર્સના ઈતિહાસમાં નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ‘ફોર્બ્સ’ના અહેવાલ મુજબ આ વેચાણે હરાજીમાં અગાઉની તમામ સૌથી મોંઘી બોટલનો રેકોર્ડ તોડયો છે. આ પહેલાં વર્ષ 2018માં આ જ પ્રકારની વાઈનની એક બોટલ 5.58 લાખ ડોલરમાં વેચાઈ હતી. આ વખતે વાઈનની બોટલ લગભગ 50 ટકા ઊંચી કિંમતે વેચાઈ છે.
ઓક્શન હાઉસ એકરના ચેરમેન જ્હોન ક્રેપોને જણાવ્યું કે, ‘અમે ઈતિહાસ રચ્યો છે. મને મારા સમગ્ર જીવન દરમિયાન 1945 રોમાની-કોન્ટી વાઈનનો સ્વાદ માણવાનો અવસર માત્ર ત્રણ વખત મળ્યો છે, જેના પરથી તમે સમજી શકો છો કે આ વાઇન કેટલી દુર્લભ છે. આ ખરેખર અત્યંત ઉમદા વાઈન છે.’ એકરે દુનિયાની સૌથી મોંઘી વાઈન બોટલ ખરીદનારનું નામ તો જાહેર કર્યું નથી, પરંતુ તેમણે ઉમેર્યું કે, આ બોટલ રોબર્ટ ડ્રોહિનના વ્યક્તિગત સેલરમાંથી આવી છે. રોબર્ટ ડ્રોહિને બર્ગન્ડીના પ્રખ્યાત ફ્રેન્ચ વાઈનહાઉસ મેઝોન જોસેફ ડ્રોહિનને લગભગ અડધી સદી સુધી ચલાવી હતી.
મેનહટનમાં વેચાયેલી દુનિયાની સૌથી મોંઘી વાઈન બોટલ એ કારણસર પણ વિશિષ્ટ હતી કેમ કે 1945 વિન્ટેજ રોમાની-કોન્ટની વાઇન બનાવવા ઉપયોગમાં લેવાયેલી દ્રાક્ષના સૌથી જૂના વેલાઓને ફરીથી ઉછેરવામાં આવ્યા તે પહેલાંની આ છેલ્લી વાઈન હતી. દ્રાક્ષના આ વેલાઓ બંને વિશ્વ યુદ્ધો વેળા બચી ગયા હતા. આ વાઈન યાર્ડ માત્ર લાલ વાઈનનું ઉત્પાદન કરે છે, જે મુખ્યત્વે પિનોટ નોઈર દ્રાક્ષમાંથી થાય છે અને વાર્ષિક 5થી 6 હજાર બોટલ્સ વાઈન બનાવે છે. જોકે, 1945ની આ જાતની માત્ર 600 બોટલ વાઈન બચી છે. એકરના પ્રતિનિધિએ કહ્યું કે આ વેચાણે 1945 વિન્ટેજ રોમાની-કોન્ટને વાઈન કલેક્શનના ઈતિહાસમાં સૌથી વધુ ઈચ્છિત બોટલ તરીકે સ્થાપિત કરી દીધી છે. આ હરાજીમાં કુલ 2.5 કરોડ ડોલરથી વધુના વાઇનનું વેચાણ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter