વિશ્વનું પ્રથમ ઓવરસીઝ કાશ્મીર મ્યુઝિયમઃ કાશ્મીરી દંપતીનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ

Tuesday 17th January 2023 13:36 EST
 
 

નાયગ્રા ફોલ્સ, ન્યૂ યોર્કઃ કાશ્મીરી ડોક્ટર દંપતી ખુરશીદ અહેમદ ગુરુ અને લુબ્ના ગુરુનું વિદેશમાં કાશ્મીરી ઈતિહાસ, કળા અને સંસ્કૃતિ સંબંધિત મ્યુઝિયમ સ્થાપવાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. સતત ગર્જના કરતા નાયગ્રા ફોલ્સના નયનરમ્ય વાતાવરણ વચ્ચે કાશ્મીરી મ્યુઝિયમ 2020માં ખુલી શકે તેવા તેમના પ્રયાસ રહ્યા હતા. જોકે, વિલંબ પછી પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટને સફળતા પ્રાપ્ત થઈ છે.

ખુરશીદ અહેમદ ગુરુએ જણાવ્યું હતું કે દર વર્ષે 12 મિલિયનથી વધુ લોકો નાયગ્રા ફોલ્સની મુલાકાત લે છે અને આ પર્ટકોની નાની ટકાવારી પણ મ્યુઝિયમની મુલાકાત લેશે તો તેમનું સ્વપ્ન ફળદાયી નીવડશે. ખુરશીદના પિતા અને પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અબ્દુલ અહદ ગુરુની 1993ની પહેલી એપ્રિલે શ્રીનગરમાં ઘાતકી હત્યા કરાઈ હતી. આ પછી ખુરશીદે પિતાનું સ્વપ્ન અપનાવી લીધું હતું. ખુરશીદે આ મ્યુઝિયમને ‘સેન્ટર ફોર કાશ્મીર’ તરીકે વર્ણવ્યું છે જેમાં અનેક કાશ્મીરના ઈતિહાસ સંસ્કૃતિ અને કલાને દર્શાવતા હસ્તકલાના નમૂનાનો સમાવેશ થાય છે.

ખુરશીદ અહેમદ ગુરુ બફેલોમાં રોઝવેલ પાર્ક કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરમાં સીનિયર રોબોટિક ઓન્કોલોજી સર્જન અને યુરોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે. તેઓ 17 વર્ષથી તેમની પીડીઆટ્રિશિયન પત્ની લુબ્ના સાથે ત્યાં કામ કરે છે.

ગુરુ દંપતીએ કાશ્મીર વિશે 1500 દુર્લભ પુસ્તકો એકત્ર કર્યા છે જે કાશ્મીરની બહાર કાશ્મીર વિશે સૌથી મોટો સંગ્રહ ગણાય છે. મ્યુઝિયમમાં પેઈન્ટિંગ્સ, અપ્રાપ્ય પુસ્તકો અને કાશ્મીરી વસ્ત્રો, કાષ્ઠ કોતરણી સહિત હેન્ડીક્રાફ્ટ્સ અને અન્ય આઈટમ્સ પણ ગોઠવવાની યોજના છે.

આ સેન્ટરે 2020માં પાર્ક પ્લેસ પર પૂર્વ ફર્સ્ટ ચર્ચ ઓફ ક્રાઈસ્ટ સાયન્ટિસ્ટની ખરીદી 200,000 ડોલરમાં કરી હતી અને તેને નવું સ્વરૂપ આપવા 1.80 મિલિયન ડોલરથી વધુ ખર્ચ કર્યો હતો. ખર્ચ વધી જતા દંપતી કાશ્મીરી સંસ્કૃતિ અને કલાના સમર્થકો પાસેથી ભંડોળ ઉઘરાવી રહ્યા છે. કાશ્મીરથી આવતા કલાકારો, વિદ્વાનો અને સહયોગી દાતાઓને રહેવાની સુવિધા આપવા દંપતી વધુ બે ઘર ખરીદવાની યોજના પણ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter