વોશિંગ્ટનઃ અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી એક બાળકનો જન્મ થયો છે. એની વિશેષતા એટલી છે કે એની ઉંમર આમ જુઓ તો 30 વર્ષની ગણાય ને આમ જુઓ તો એ નવજાત છે! એનું કારણ એટલું કે ત્રણ દસકાથી સાચવી રાખેલા ભ્રૂણમાંથી બાળકનો જન્મ થયો છે. ટેકનિકલી આ બાળકને જન્મ થતાં 30 વર્ષ લાગ્યાં એમ કહીએ તો પણ ખોટું નથી.
1994માં લિન્ડા આર્ચર્ડ નામની એક મહિલાને પ્રેગનન્સીને લગતી તકલીફો સર્જાતી હતી. ત્યારે આધુનિક યુગની દેન ગણાતી આઈવીએફ (ઇન વીટ્રો ફર્ટિલાઇઝેશન) ટેક્નિકની મદદથી તેના ચાર ભ્રૂણ લેવામાં આવ્યા હતા. એમાંથી એક બાળકીનો જન્મ થયો હતો. જ્યારે બાકીના ભ્રૂણને કાયોપ્રિઝર્વ કરીને સાચવી રાખવામાં આવ્યા હતા. આ પછી તો સમય વીતતો ગયો. વર્ષોનાં વર્ષો વહી ગયાં.
આ દરમિયાન મહિલાના ડિવોર્સ થઈ ગયા. તો મહિલાએ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરીને ભ્રૂણની કસ્ટડી મેળવી લીધી. તેને જાણ થઈ કે ભ્રૂણ ડોનેટ કરી શકાય છે. એટલે તેણે યોગ્ય દંપતીને ભ્રૂણ દાનમાં આપવાની તૈયારી બતાવી.
ઓહાયોમાં રહેતા પિયર્સ દંપતીને તેણે ભ્રૂણદાન માટે પસંદ કર્યા. લિંડસે અને ટિમ પિયર્સે લિન્ડા આર્ચર્ડ નામની મહિલાના ભ્રૂણનું દાન મેળવ્યું અને એમાંથી બાળકનો જન્મ થયો. સાયન્સનો ચમત્કાર જુઓ! 30 વર્ષથી સાચવી રખાયેલા ભ્રૂણમાંથી બાળકનો જન્મ થયો. આવું અગાઉ ક્યારેય બન્યું નથી. મેડિકલ સાયન્સના ઈતિહાસમાં આ ઘટના સુવર્ણ અક્ષરે લખાઇ ગઇ છે એમ કહી શકાય. લિન્ડા આર્ચર્ડ અત્યારે 62 વર્ષનાં છે. તેમણે નવજાત બાળક અને તેમની 30 વર્ષની દીકરી જ્યારે નાનકડી બાળકી હતી ત્યારની તસવીરને સરખામણી કરતાં આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે હું માની નથી શકતી કે વિજ્ઞાનની મદદથી આ શક્ય બની શક્યું છે.