મેડિસનઃ વિસ્કોસિનમાં ફેર મતગણતરી રવિવારે પૂરી થતાં ટ્રમ્પના મુખ્ય હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેનની આ ખુબ જ મહત્ત્વના રાજ્યમાં પણ જીત થઈ હતી. મતગણતરી પુરી થાય તેની પહેલાં જ ટ્રમ્પે આ રાજ્યના પરિણામને કોર્ટમાં પડકાર્યા હતા. મતગણતરી પુરી કરનાર ડાને કાઉન્ટી સૌથી છેલ્લી હતી, જેમાં ટ્રમ્પને ૪૫ મતની સરસાઈ મળી હતી.
રાજ્યની અન્ય બીજી મોટી અને લિબરલ કાઉન્ટી મિલવાઈકુમાં પણ ફેર ગણતરી કરાઈ હતી જેના માટે ટ્રમ્પે ૩૦ લાખ ડોલર ખર્ચ કર્યો હતો. ત્યાંથી બાઇડેનને ૧૩૨ મતની સરસાઈ મળી હતી. આમ બંને કાઉન્ટીઓએ બિડેનના જીતની સરસાઈ ૨૦૬૦૦ ઘટાડી હતી અને ચોખ્ખી સરસાઈ ૮૭ મતોની થઈ હતી. ‘અમે કહ્યું હતું તેમ ફેર ગણતરીએ વિસ્કોનસિનમાં બિડેનની જીતને સમર્થન આપ્યું હતું.’ બાઇડેનના પ્રચારક જેનિયલે કહ્યું હતું.
ટ્રમ્પની અરજી ફગાવાઇ
ફેડરલ અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની પેન્સિલ્વેનિયાની ચૂંટણીને પડકારતી અરજી ફગાવી દીધી છે. તેમજ પેન્સિલ્વેનિયામાં જો બાઇડેનના વિજયને ફ્રીઝ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચૂંટણી અન્યાયી હતી. અન્યાયનો આક્ષેપ ગંભીર છે પરંતુ ચૂંટણીને અન્યાયી કહેવી સારી ન કહેવાય તેમ અમેરિકન કોર્ટે ટ્રમ્પ કેમ્પેનને જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, મતદાતા અમેરિકન પ્રમુખ ચૂંટે છે, વકીલો નહીં.