ન્યૂ યોર્ક: સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયેલા બે ભારતીય સ્ટુડન્ટની વૃદ્ધો સાથે છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે અને તેમની સામે ચોરી, લૂંટ અને ગેરકાયદે રોકાણો સહિત મની લોન્ડરિંગના આરોપ મુકાયા છે. આરોપી સ્ટુડન્ટ્સ મહંમદ ઈલ્હામ વ્હોરા અને હાજી અલી વ્હોરા બંને 24 વર્ષના છે. તેમને એલ પાસો કાઉન્ટી જેલમાં રખાયા છે. બન્ને શિકાગોની ઈસ્ટ-વેસ્ટ યુનિવર્સિટીમાં ભણતા હતા. પીડિતોને ક્રિપ્ટો એટીએમમાં પૈસા જમા કરાવવા, તેમના ખાતામાંથી મોટી માત્રામાં રોકડ ઉપાડવા અને પૈસા સોનામાં રૂપાંતરિત કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ પીડિતોને તેમની રોકડ અથવા સોનું તેમને ત્યાં રૂબરૂ પહોંચેલા અને પોતાને સરકારી એજન્ટ ગણાવતા સ્કેમર્સને આપવા માટે કહેવાતું હતું.