વોશિંગ્ટનઃ અમેરિકાએ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના વિશાળ ભંડારો પર કબજો કરી લીધો છે અને હવે આ ક્રૂડ ઓઈલ દુનિયાને વેચવાની તૈયારી કરી છે. અમેરિકાએ ભારતને પણ વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની ઓફર કરી છે. સાથે સાથે અમેરિકાએ ભારતને ટેરિફ ઘટાડવા માટે પણ ઓફર કરી છે. જોકે, આ માટે અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાની શરત પણ મૂકી હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતું હોવાથી ટ્રમ્પે દંડ સ્વરૂપે ભારતીય સામાન પર વધારાનો 25 ટકા ટેરિફ નાંખ્યો છે, જેને પગલે ભારત પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. સાથે જ ટ્રમ્પે ભારત સહિત ચીન અને બ્રાઝિલ પર 500 ટકા ટેરિફ નાંખવાના એક બિલને મંજૂરી આપી દીધી છે, જે આગામી દિવસોમાં અમેરિકન સંસદમાં રજૂ કરાય તેવી શક્યતા છે.
રિલાયન્સ અમેરિકાના સંપર્કમાં
અમેરિકાએ ભારતને વેનેઝુએલાનું ફૂડ ઓઈલ ખરીદવાની ઓફર કરી છે ત્યારે ભારતની સૌથી મોટી રિફાઈનિંગ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ખરીદવા તૈયાર છે. કંપની આ માટે અમેરિકન અધિકારીઓના સંપર્કમાં હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોએ કહ્યું કે, વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ અમેરિકા સિવાયની કંપનીઓને ખરીદવાની મંજૂરી મળી જાય તો પોતે તેના માટે તૈયાર છે.
રિલાયન્સ જામનગરમાં દુનિયાનું સૌથી મોટું રિફાઈનિંગ કોમ્પલેક્ષ ધરાવે છે. જોકે, આ અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિયમોમાં સ્પષ્ટતા જરૂરી છે અને કંપની તે માટેની રાહ જોઈ રહી છે. રિલાયન્સે ગયા વર્ષે માર્ચમાં વેનેઝુએલાના ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરી હતી. રિલાયન્સને વેનેઝુએલામાંથી ક્રૂડનું છેલ્લું શિપમેન્ટ મે 2025માં મળ્યું હતું. જામનગરમાં રિલાયન્સની રિફાઇનિંગ યુનિટ્સની દૈનિક ક્ષમતા લગભગ 14 લાખ બેરલ છે. આ રિફાઈનરી બધા જ પ્રકારના ક્રૂડને પ્રોસેસ કરી શકે છે.
ટ્રમ્પ જ ટ્રમ્પનું માનશેઃ તુમાખીની ચરમસીમા
ટ્રમ્પ વેનેઝુએલા પર હુમલો કર્યા પછી બેફામ બન્યા છે. બીજા કાર્યકાળમાં પ્રમુખપદ સંભાળ્યાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે દુનિયાના દેશો પર ટેરિફ નાંખી ટ્રેડ વોર શરૂ કરનારા ટ્રમ્પ હવે ગ્રીનલેન્ડ, મેક્સિકો, કોલંબિયાથી લઈને ઈરાન સુધીના દેશોને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે. આવા સમયે ટ્રમ્પે અત્યંત તુમાખીપૂર્ણ ભાષામાં સ્પષ્ટ કહ્યું કે તેમને કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાની પડી નથી. આ દુનિયામાં મને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે હું
પોતે જ છું. આ સાથે ટ્રમ્પે વેનેઝુએલા પછી હવે મેક્સિકો પર હુમલાની ચેતવણી આપી છે અને ગ્રીનલેન્ડને ખરીદવાની ઓફર કરી છે.
બીજી વખત સત્તા પર આવ્યાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સને આપેલી એક મુલાકાતમાં દુનિયામાં વર્તમાન સ્થિતિ અને ગ્રીનલેન્ડ, મેક્સિકો, કોલંબિયા, ઈરાન સહિતના દેશો માટેની તેમની યોજનાઓ અંગે સ્પષ્ટ વાત કરી હતી.
આ સાથે ટ્રમ્પે દુનિયાને ચેતવણી આપતા સૂરમાં કહ્યું કે, અમેરિકા અત્યારે જે પગલાં લઈ રહ્યું છે તે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ ઉઠાવી શકે છે. અમેરિકન પ્રમુખ તરીકે વૈશ્વિક તાકાત મળે છે અને તેની કોઈ મર્યાદા નથી. આ દુનિયામાં ટ્રમ્પને માત્ર એક જ વ્યક્તિ રોકી શકે છે અને તે છે ટ્રમ્પ પોતે.


