વોશિંગ્ટન, નવી દિલ્હીઃ અમેરિકામાં H-1B વિઝાને લઈને શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે H-1B વિઝા પર અમેરિકામાં કામ કરનારા વિદેશી કર્મચારીઓને ‘વેઠિયા મજૂર’ ગણાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કંપનીઓ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને તેમની જગ્યાએ ઓછા વેતન પર વિદેશી કર્મચારીઓને રાખી રહી છે. બીજી તરફ, ભારતે વેન્સના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાના અર્થતંત્રને મજબૂત બનાવવામાં ઈમિગ્રન્ટ્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકાના અર્થતંત્ર, નવી ટેકનિક, રિસર્ચ તેમજ રોજગાર વધારવામાં અગત્યનું યોગદાન આપે છે. તેનાથી બંને દેશોને ફાયદો છે.


