વોશિંગ્ટનઃ અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે સીઈઓ પદ પરથી હટી જવાનો સંકેત આપી દીધો છે. તેમણે વિવિધ મુદ્દે તેમના વિચારો રજૂ કર્યા હતા. અનુગામી તરીકે ગ્રેગ એબલનાં નામની તેમણે જાહેરાત કરી દીધી છે જેઓ ડિસેમ્બર સુધીમાં પદ સંભાળી લેશે.
બફેટે ટ્રમ્પના ટેરિફની ઉગ્ર ટીકા કરતાં તેને મોટી ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે વ્યાપાર ક્યારેય શસ્ત્ર ન બનવો જોઈએ. બફેટે પોતે 2003માં ઈમ્પોર્ટ સર્ટિફિકેટનો આઈડિયા વહેતો કર્યો હતો જે આ ટેરિફથી અલગ હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વના સાડા સાત બિલિયન લોકો કહેતા હોય કે આ યોગ્ય નથી તેનો અર્થ તે યોગ્ય નથી.
બર્કશાયર હાથવેએ રેકોર્ડબ્રેક 335 બિલિયન ડોલરની કેશ જમા કરી છે તેનો બચાવ કરતા બફેટે કહ્યું કે બર્કશાયર ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ તકવાદી છે અને માત્ર ‘સંપૂર્ણ રોકાણ કર્યું’ હોવાનું કહેવા ખાતર જ રોકાણ નથી કરતી.
બર્કશાયરનું કેશ લેવલ છેલ્લાં 25 વર્ષમાં તેની કુલ એસેટ્સના સરેરાશ 13 ટકા હતું, પરંતુ અત્યારે તે 27 ટકા થઈ ગયું છે. તેમણે કહ્યું કે બર્કશાયરે તાજેતરમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે અને જો યોગ્ય તક મળે તો 100 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં પણ વાંધો નથી. કંપનીને લાગે કે આ રોકાણમાં ગુમાવવા જેવું કંઈ નથી તો તે અવશ્ય રોકાણ કરે છે.
જાપાન અંગે બફેટ ભારે બુલિશ છે. તેઓ કહે છે કે જાપાનની પાંચ કંપની કે ગ્રૂપમાં તેમનું રોકાણ છે - ઈતોચુ, મારુબેની, મિત્સુબિશી, મિત્સુઈ અને સુમિતોમો. આ તમામમાં ખૂબ લાંબા સમય સુધી, કદાચ આવતા 50 વર્ષ સુધી કે કદાચ તેનાથી પણ વધુ સમય સુધી, રોકાણ જાળવી રાખવાનો તેમનો ઈરાદો છે. આ રોકાણ વેચવાનો વિચાર ક્યારે કર્યો નથી.
ડોલરનું ભાવિ ધૂંધળું, યુએસનું ઉજળું
તેમના મતે તેઓ ક્યારેય કરન્સી વિશે બહુ વિચાર કરતા નથી અને પરિણામ પર તેની શું અસર થશે તે અંગે કોઈ જ બોર્ડ મીટિંગમાં ચર્ચા પણ નથી કરતા. તેમણે પરોક્ષ રીતે સંકેત આપ્યો હતો કે ડોલર કરન્સીનું ભાવિ ધૂંધળું છે.
અમેરિકા અંગે બફેટ બુલિશ છે. તેઓ લાંબા સમયથી તેને ‘અમેરિકન ટેઈલવિન્ડ’ તરીકે ઓળખાવે છે. તેમના મતે અમેરિકા હાલ પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જે પૈકી અમુક બાબત સાનુકૂળ નથી પરંતુ વ્યાપક રીતે પ્રગતિકારક છે. અમેરિકાના પાયાના આદર્શોમાં વિરોધાભાસ હોવાનું પણ તેમણે કહ્યું હતું.
AI નહીં, AJ પહેલી પસંદ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને બર્કશાયર હાથવેના વરિષ્ઠ અધિકારી અજિત જૈન (AJ) વચ્ચે પસંદગી કરવાની હોય તો? તેવા સવાલના જવાબમાં બફેટે કહ્યું કે ‘હું આવતા 10 વર્ષ સુધી અજિતને જ પસંદ કરીશ અને AIમાં ડેવલપ થયું હોય તેવા કોઈ ટૂલને આધારે રોકાણ નહીં કરું.’ રિયલ એસ્ટેટ અને સ્ટોક્સ વચ્ચે પસંદગી કરવાની હોય તો? તેવા સવાલના જવાબમાં વોરેન બફેટે કહ્યું કે સ્ટોક્સ કરતા રિયલ એસ્ટેટમાં ડીલ કરવું વધારે અઘરું છે. તેમાં વધારે સમય જાય છે, એક કરતાં વધુ પાર્ટી સાથે ડીલ કરવું પડે છે.
બફેટનો રોકાણમંત્ર: ધીરજ અને ઈચ્છાશક્તિ
બફેટે કહ્યું કે માર્કેટમાં કમાણી કરવા માટે ઘણી વાર ખૂબ ઝડપી નિર્ણય લેવા પડતા હોય છે, પરંતુ યોગ્ય તક શોધવાની હોય ત્યારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. બર્કશાયરની આ વિશેષતા છે. તેણે અનેક નિર્ણયો અન્ય લોકો કરતાં વધારે ઝડપથી લીધા જેને કારણે તેને સારી એવી કમાણી થઈ હતી. આથી પેશન્સ (ધીરજ)ની સાથે વિલિંગનેસ (ઇચ્છાશક્તિ)નો સમન્વય જરૂરી છે. ધીરજના ગુણને ક્યારેય અન્ડરએસ્ટિમેટ ન કરશો તેવી બફેટની સલાહ છે.