વોશિંગ્ટનઃ પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેનના શપથ સમારોહ પૂર્વે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન યુદ્ધછાવણીમાં તબદિલ થઇ ગઇ છે. સુરક્ષા દળોથી માંડીને આમ અમેરિકન નાગરિક શપથ સમારોહ પહેલાં કે તે દરમિયાન કંઈક અણબનાવની આશંકા સેવી રહ્યા છે. જેના પગલે વોશિંગ્ટન ડીસી સહિત ૫૦ રાજ્યોમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ટ્રમ્પના સમર્થકોએ જે પ્રકારે થોડાક દિવસ પહેલાં કેપિટલ હિલ પર હિંસા આચરી હતી તેવી હિંસા ફરીથી થાય તેનો ડર અનેક લોકોને સતાવી રહ્યો છે.
કેપિટલ હિલ જવાના તમામ રસ્તાઓને લોખંડની જાળીઓથી બંધ કરી દેવામાં આવ્યા છે અને હજારો સુરક્ષા જવાન પેટ્રોલિંગ કરી રહ્યા છે. શહેરની આસપાસના તમામ રસ્તાઓને પણ બ્લોક કરવામાં આવ્યા છે. હથિયારધારી સૈનિકો શહેરના માર્ગો પર તહેનાત છે અને ટ્રાફિકને માર્ગદર્શન આપી રહ્યા છે તથા વાહનોની તપાસ કરી રહ્યા છે.
કેપિટલ હિલની આસપાસ નેશનલ ગાર્ડના અંદાજે ૨૫ હજાર સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મીડિયામાં સશસ્ત્ર હુમલા અને વિસ્ફોટ થવાની આશંકાઓ પણ દર્શાવવામાં આવી રહી છે.
પોલીસના વાહનો રસ્તાઓ પર સુરક્ષા બંદોબસ્ત જાળવી રહ્યા છે તો આસમાનમાં સુરક્ષા દળના હેલિકોપ્ટર નજર રાખી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં સુરક્ષાકર્મીઓનાં રહેઠાણ જેવા સફેદ ટેન્ટ બાંધવામાં આવ્યા છે. તો અનેક મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો માટે રસ્તાઓને બંધ કરવાની કામગીરીને વિસ્તારવામાં આવી રહી છે.
કેપિટલ પોલીસે પણ એક નિવેદનમાં કહ્યું હતું, ‘કોઈ પણ વ્યક્તિ વાડ ઉપર ચડીને અથવા અન્ય ગેરકાયદે રીતે કેપિટલ ગ્રાઉન્ડ્સમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે તો તેની સામે યોગ્ય બળપ્રયોગ અને ધરપકડ કરાશે.’ વોશિંગ્ટન ડીસી અને તેના પડોશી રાજ્ય વર્જિનિયાને જોડતાં અનેક રાજ્યોના બ્રીજને બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા બધા સ્થાનિક રહેવાસીઓને આ આશ્ચર્યજનક લાગે છે.
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે આ બધું ફિલ્મ જેવું લાગે છે. સામાન્ય રીતે, દરેક લોકો નવા રાષ્ટ્રપતિને આવકારવા તૈયાર રહે છે. હાલ, રસ્તાઓ નિર્જન છે. સામાન્ય રીતે, ઉદઘાટન દરમિયાન ડીસીનો મૂડ ઉમંગ-ઉલ્લાસભર્યો સમય હોય છે. નવનિયુક્ત પ્રમુખના સમર્થકોના નારા ગાજતા રહેતા હોય છે. આ વખતે ભૂતિયા શહેર જેવું છે.
સામાન્ય રીતે ઉદ્ઘાટન પહેલાંના દિવસો દરમિયાન સમર્થકો અને વિરોધીઓ એકતાના પ્રદર્શનમાં એક સાથે આવીને ઉજવણી કરતા હોય છે. પરંતુ આ પહેલાં ક્યારેય કેપિટલના હૃદયમાં લોકડાઉન કરવામાં આવ્યું નથી.