વોશિંગ્ટનમાં ગાંધીપ્રતિમાનું અપમાનઃ તોફાનીઓએ ખાલિસ્તાની ઝંડો લપેટ્યો

Wednesday 02nd February 2022 06:11 EST
 
 

નવી દિલ્હી: તાજેતરમાં ૨૬મી જાન્યુઆરીએ ખાલિસ્તાની સમર્થકો દ્વારા અમેરિકાનાં વોશિંગ્ટન સહિત અનેક દેશોમાં ગાંધીજીની પ્રતિમાનું અપમાન કરાયું હતું. યુએસનાં વોશિંગ્ટન ડીસીમાં ગાંધીજીની પ્રતિમાને ખાલિસ્તાની ઝંડો લપેટવામાં આવ્યો હતો અને તેમનાં હાથમાં પણ ખાલિસ્તાની ઝંડો પકડાવી દેવાયો હતો. ભારત સરકાર દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરાયો છે અને તોફાનીઓ સામે કડકપગલાં લેવા માગણી કરાઈ હતી.
ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, કટ્ટરપંથી તત્ત્વોએ વિદેશોમાં રાજદ્વારી પરિસરોમાં તોડફોડ કરવાની કોશિષ કરી હતી. બાગચીએ કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ લંડનમાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીય દૂતાવાસની બહાર ભારતનાં બંધારણ અને રાષ્ટ્ર ધ્વજને સળગાવાયા હતા. કેનેડા, અમેરિકા, વોશિંગ્ટન અને ઇટાલીના મિલાનમાં પણ આવી હરકતો કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટમાં ખાલિસ્તાનની ઝંડો ફરકાવવા ધમકી
ખાલિસ્તાની આતંકી સંગઠન શીખ ફોર જસ્ટિસ દ્વારા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને ફોન કરીને સુપ્રીમ કોર્ટમાં ખાલિસ્તાની ધ્વજ ફરકાવવા ધમકી અપાઈ હતી. શીખ ફોર જસ્ટિસનાં સ્થાપક ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા આ ધમકી અપાઈ હોવાનું જાણા મળે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter