વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસ સિક્યુરિટી ચેક પોઈન્ટ નજીક ગોળીબાર કરનારા શંકાસ્પદને યુએસ સિક્રેટ સર્વિસે ઠાર માર્યો છે. પ્રમુખ ટ્રમ્પને નિશાન બનાવીને એક મહિનામાં આ ત્રીજી વખત પ્રયાસ થયો છે. શનિવારે આ ઘટના બની ત્યારે પ્રમુખ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા. નાસિર બેસ્ટ નામના હુમલાખોરે 17મી સ્ટ્રીટ અને પેલિવિનિયા એવેન્યુ ખાતે બેગમાંથી હથિયાર બહાર કાઢીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. વળતા જવાબમાં સીક્રેટ સર્વિસની ટીમે ફાયરિંગ કરતાં તેનું મોત નીપજ્યુ હતું.
21 વર્ષીય હુમલાખોર નાસિર બેસ્ટે અગાઉ જુલાઈ 2025માં પણ વ્હાઈટ હાઉસના ચેકપોઈન્ટમાંથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તેની ધરપકડ થઈ હતી. નિયત મંજૂરી પ્રક્રિયા વગર વ્હાઈટ હાઉસમાં જતાં તેને અટકાવાયો ત્યારે તેણે પોતે જીસસ ક્રાઈસ્ટ હોવાનો દાવો કર્યો હતો. આ પૂર્વે એપ્રિલમાં વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન પ્રમુખ ટ્રમ્પને નિશાન બનાવીને હુમલો થયો હતો. જ્યારે બીજી ઘટના વોશિંગ્ટન મોન્યુમેન્ટ નજીક મે મહિનામાં થઈ હતી. હુમલાખોરે કરેલા ગોળીબારમાં એક નાગરિક ઘાયલ થયો હતો.
ઈવાન્કાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ
પ્રમુખ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અંગે ચોંકાવનારી જાણકારી સામે આવી છે. ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા તાલીમપ્રાપ્ત એક આતંકવાદીએ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં જ ઝડપાયેલા મોહમ્મદ બાકિર સાદ દાઉદ અલ-સાદીએ ઈવાન્કાની હત્યાના સોગંદ લીધા હતા. તેની પાસેથી ઈવાન્કાના ફ્લોરિડા સ્થિત ઘરનો નકશો પણ મળ્યો હતો. આ કાવતરું છ વર્ષ પહેલા બગદાદમાં અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઇરાની સૈન્ય પ્રમુખ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા રચાયું હતું. ઈરાકી નાગરિક અલ-સાદીને સુલેમાનીના મોતનો ઊંડો આઘાત લાગ્યો હતો અને તે સુલેમાનીને પોતાના પિતા સમાન માનતો હતો.


