વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જોન બોલ્ટને પ્રેસિડન્ટ ટ્રમ્પની સખત ટીકા કરી છે. તેમણે ભારત ઉપર 50 ટકા ટેરિફ મુદ્દે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયા અને ચીનની નજીક લાવવાનો આરોપ લગાવ્યો છે. બોલ્ટને કહ્યું કે ટ્રમ્પની ટેરિફ પોલિસીએ અમેરિકી તંત્રની દાયકાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે વ્હાઈટ હાઉસે પીએમ મોદીને રશિયા અને ચીનની નજીક લાવીને અમેરિકા-ભારત સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે.
બેઈજિંગે પોતાને અમેરિકા અને ટ્રમ્પના વિકલ્પ તરીકે રજૂ કર્યું છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીએ ભારતને તત્કાલીન સોવિયેત સંઘ (રશિયા) સાથે શીત યુદ્ધના સંબંધોથી દૂર કરવાના અને ચીન તરફથી વધતા જોખમોને પહોંચી વળવાના દાયકાઓ જૂના પશ્ચિમી પ્રયાસો ધ્વસ્ત કરી દીધા છે.