શટડાઉનથી અમેરિકાને દર સપ્તાહે 15 બિલિયન ડોલરનો ફટકો

Friday 10th October 2025 04:36 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં શરૂ થયેલા શટડાઉન સંદર્ભે વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે આથી દેશને દર સપ્તાહે 15 બિલિયન ડોલરનો ફટકો પડી શકે છે. તો અર્નેસ્ટ એન્ડ યંગ મુજબ શટડાઉનથી 7 બિલિયન ડોલરનો ફટકો પડી શકે છે. આમ વર્તમાન શટડાઉન અમેરિકી ઇતિહાસનું સૌથી મોંઘુ શટડાઉન નીવડે તો નવાઇ નહીં.
શટડાઉનના પગલે અર્થતંત્રમાં વૃદ્ધિદર ઘટાડા તરફ જવા લાગ્યો છે. અમેરિકાના શટડાઉન ફક્ત મોંઘા જ થઈ ગયા નથી, પણ લાંબા પણ થઈ ગયા છે. હાઉસ હિસ્ટોરિયનના રેકોર્ડ મુજબ 1980ના દાયકાના પ્રારંભે શટડાઉન એક-બે દિવસ ચાલતા હતા. પછી 1990નો દાયકો આવતા-આવતા આ શટડાઉન અઠવાડિયાઓ સુધી લંબાવવા લાગ્યા. 1995-96માં થયેલું શટડાઉન 21 દિવસ ચાલ્યું, તે સમયનું તે સૌથી લાંબો સમય ચાલેલું શટડાઉન હતું.
અમેરિકામાં બુધવારથી શટડાઉન લાગુ થયું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સેનેટમાં બજેટ (ફંડિંગ બિલ) પસાર કરવામાં નિષ્ફળ ગઈ. બિલના સમર્થનમાં 55 અને વિરોધમાં 45 મત પડ્યા છે, બિલ મંજૂર કરાવવા 60 મત જરૂરી હતા.
શટડાઉનથી 7 લાખ કર્મચારીને રજા (ફર્લો) પર મોકલાયા છે. ઘણા સરકારી કાર્યો ઠપ્પ થયા છે. છ વર્ષમાં આ પ્રથમ શટડાઉન છે. 2019માં ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાબું 35 દિવસનું શટડાઉન થયું હતું, અને આશરે 3.5 લાખ કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા હતા. છેલ્લા 50 વર્ષમાં અમેરિકામાં 20 વખત શટડાઉન થયું છે.
શટડાઉન એટલે શું?
અમેરિકામાં નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. અમેરિકામાં સરકારી શટડાઉન ત્યારે થાય છે જ્યારે કોંગ્રેસ ફેડરલ એજન્સીઓને ચલાવવા માટે વાર્ષિક ખર્ચ ખરડા પર સંમત ન થઈ શકે. મતલબ કે ફેડરલ સરકાર બજેટ પસાર કરાવવામાં નિષ્ફળ નીવડે તો શટડાઉન જાહેર કરાય છે. અલબત્ત, આ શટડાઉન અસ્થાયી હોય છે. આ સમયે ફેડરલ કર્મચારીઓને રજા પર મોકલી દેવાય છે. બજેટ પસાર થયા પછી પાછા બોલાવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter