શરણાર્થી ઉમટી પડતાં ન્યૂ યોર્કમાં મેયરે કટોકટી જાહેર કરી

Saturday 15th October 2022 12:47 EDT
 
 

ન્યૂ યોર્કઃ મહાનગરમાં શરણાર્થીઓ સંખ્યા વધી પડતાં મેયરે ઈમરજન્સી જાહેર કરી છે. આ સાથે જ મેયરે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનને અનુરોધ કર્યો છે કે શહેરની સરહદે સુરક્ષા વધારવામાં આવે તેમજ શરણાર્થીઓના ધાડાને આવતાં રોકવા માટે જરૂરી પગલાં લેવાની સાથોસાથ શહેર પર આવી પડેલું આર્થિક ભારણ ઓછું કરવા આર્થિક મદદની પણ માગ કરી છે.

ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે બાઈડેન સરકારને શરણાર્થી કટોકટીનો ઉકેલ લાવવાની રજૂઆત કરી છે અને શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. 17,000 શરણાર્થીઓ શહેરમાં આવી જતાં ભારે અંધાધૂંધી સર્જાયાનું એરિક એડમ્સે કહ્યું છે. મેયરના કહેવા પ્રમાણે શહેરના બધા જ આશ્રયગૃહોમાં ક્ષમતા કરતાં વધુ શરણાર્થી છે. આવી સ્થિતિમાં હજુય શરણાર્થીના ધાંડાં આવી રહ્યા છે અને તેમના માટે વ્યવસ્થા કરવાનું શહેરના સ્થાનિક તંત્ર માટે શક્ય નથી. શરણાર્થી કટોકટી સામે પહોંચી વળવા માટે મેયરે પ્રમુખ પાસે એક બિલિયન ડોલરની આર્થિક સહાયની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે દક્ષિણના રાજ્યોમાંથી શરણાર્થીઓ મોટી સંખ્યામાં ન્યૂ યોર્કમાં આવી રહ્યા છે. શહેરના આશ્રયગૃહોમાં શરણાર્થીઓ વધી જતાં તેને મેયરે કટોકટીની સ્થિતિ ગણાવી હતી. એરિક એડમ્સે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે દરરોજ પાંચથી છ બસો ભરાઈને શરણાર્થીઓ ન્યૂયોર્ક શહેરમાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ છે. જો આ પ્રવાહ અટકાવવામાં આવશે નહીં તો શહેરમાં તંગદિલી પણ થઈ શકે છે. શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ માટે ૪૨ આશ્રયગૃહો છે, એ તમામ અત્યારે શરણાર્થીઓના કારણે ભરાઈ ચૂક્યા છે. મેયરે ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ સ્થિતિને કાબૂમાં લેવામાં નહીં આવે તો વર્ષના અંત સુધીમાં એક લાખ શરણાર્થીઓ શહેરમાં આવી ચૂક્યા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter