શાળાઓનું દેવું ચૂકવવા બે બહેનોએ લીંબુપાણીનો સ્ટોલ કર્યો

Thursday 06th June 2019 07:11 EDT
 

ન્યૂ યોર્ક: અમેરિકાના નોર્થ કેરોલિનાની રહેવાસી બે બહેનો ૧૩ વર્ષની હેલી હેગર અને ૧૧ વર્ષની હન્ના હેગર લીંબુપાણીનો સ્ટોર ખોલીને ૪૧ હજાર ડોલર ભેગા કરવા મથી રહી છે. બંને આ નાણા કિન્સ્ટોન શહેરની સ્કૂલોનું દેવું ચૂકવવા માટે ભેગા કરી રહી છે. આ શાળાઓ બાળકોને વિના મૂલ્યે ભોજન આપે છે પણ તે માટે તેમના પર સરકારનું ઘણું દેવું થઈ જાય છે.

હેલી અને હન્ના સાઉથવુડ એલિમેન્ટ્રી સ્કૂલની વિદ્યાર્થિનીઓ છે. તેમની માતા એરિને કહ્યું કે, પહેલાં બંને તેમના દાદા માટે હોસ્પિટલના ખર્ચની રકમ ભેગી કરવા માગતી હતી, પણ તે દરમિયાન તે લોકોને શહેરની સ્કૂલો પર રૂ. ૨૮ લાખ દેવું હોવાની ખબર પડી. ત્યાર બાદ બંને બહેનોએ સરકારને દેવું ચૂકવી દેવાનું નક્કી કર્યું. શહેરની દરેક સ્કૂલે કાફેટિરિયા ચાર્જ તરીકે અમુક રકમ સકારને આપવી પડતી હોય છે.

હેલીએ કહ્યું કે, વિદ્યાર્થીઓનું પેટ ભરવા માટે સ્કૂલો પર દેવું વધી ગયું છે. જે બાળકો પાસે જમવા માટેના પૈસા નથી હોતા તેમને સ્કૂલ ફ્રીમાં જમવાનું આપે છે. તેથી અમારી પણ ફરજ બને છે કે અમે સ્કૂલને થોડી મદદ કરીએ. એરીને જણાવ્યું કે, હું લીંબુ પાણીના સ્ટોલ પર નાસ્તા વેચું છું, જેથી વધારે નાણા ભેગા થાય. અમે સોશિયલ મીડિયામાં લોકોને મદદ કરવા વિનંતી કરી છે. તેનો સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. ફેસબુક પર પોસ્ટ વાંચીને અનેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે.

બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપાલ એશલે લેમ્બેનું કહેવું છે કે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે દેવાદાર બનવામાં અમને કોઈ શરમ નથી. મારી સ્કૂલની બંને વિદ્યાર્થીઓ આ દેવું ચૂકવવા જે પ્રયત્નો કરે રહી છે તેના પર મને ગર્વ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter