શિકાગો એરપોર્ટ ઉપર ત્રણ મહિના સંતાઇ રહેનાર ભારતીય આખરે દોષમુક્ત

Saturday 06th November 2021 04:59 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક એવા શિકાગોના એરપોર્ટ ઉપર ત્રણ મહિના છુપાઇ રહ્યા બાદ ગયા જાન્યુઆરીમાં જેની ધરપકડ થઇ હતી તે ૩૭ વર્ષીય ભારતીય નાગરિકને છેવટે યુએસ કોર્ટે બદઇરાદાપૂર્વક ઘૂસણખોરી કરવાના આક્ષેપમાંથી મુક્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાએ ૨૦૦૪માં રિલીઝ થયેલી હોલિવૂડના ખ્યાતનામ હીરો ટોમ હેન્કની ફિલ્મ ‘ધ ટર્મિનલ’ની સ્ટોરીને યાદ તાજી કરાવી દીધી છે.
આદિત્ય સિંઘ નામનો આ ભારતીય નાગરિક કોરોના વાઇરસથી એટલી હદે ડરી ગયો હતો કે તે કોઇ પણ સંજોગોમાં વિમાન પ્રવાસ કરવા માંગતો નહોતો તેથી તે શિકાગોના ઓ’હેર એરપોર્ટ પર એક તદ્દન સલામત ગણાતી જગ્યાએ ત્રણ મહિના સુધી સંતાઇ રહ્યો હતો. જોકે ગત ૧૬ જાન્યુઆરીના રોજ તે નજરે ચઢી જતાં તેની ધરપકડ કરાઇ હતી. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે ત્રણ-ત્રણ મહિના સુધી કોઇ સુરક્ષા એજન્સીઓના એજન્ટો કે અધિકારીઓનું તેના તરફ ધ્યાન ગયું નહોતું. કુક કાઉન્ટીના જજ એડ્રીયન ડેવિસે આદિત્ય સિંઘના કેસનો ગયા સપ્તાહે ચુકાદો આપ્યો હતો જેમાં તેને બદઇરાદાપૂર્વક ગેરકાયદે એરપોર્ટ ઉપર ઘૂસણખોરી કરવાના પોલીસ દ્વારા મૂકાયેલા આરોપમાંથી મુક્ત જાહેર કર્યો હતો એમ શિકાગો ટ્રિબ્યુન અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું હતું.
આદિત્ય સિંઘ તેનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે વર્ષ પહેલાં અમેરિકાના કેલિફોર્નિયામાં આવ્યો હતો પરંતુ કોરોના વાઇરસથી તે એટલી હદે ફફડી ગયો હતો કે તે કોઇ પણ સંજોગોમાં હવાઇ મુસાફરી કરવા માંગતો નહોતો. ગત જાન્યુઆરી મહિનામાં તેણે પોતાના વતન ભારત પહોંચવાના ઇરાદે કેલિફોર્નિયાથી શિકાગોની ફ્લાઇટ તો બુક કરાવી હતી, પરંતુ અહીંથી તે ભારત જતી ફ્લાઇટમાં બેઠો જ નહોતો. તે શિકાગોના એરપોર્ટ ઉપર જ ઉતરી ગયો હતો અને સમગ્ર એરપોર્ટ ઉપર સૌથી સલામત ગણાતી જગ્યાએ સંતાઇ ગયો.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે પણ કોર્ટમાં કહ્યું હતું કે આદિત્ય સિંહ કોરોના વાઇરસથી ખૂબ ડરી ગયો હતો અને તે હવાઇ મુસાફરી કરવા માંગતો નહોતો. આથી તે એરપોર્ટ ઉપર સલામત જગ્યાએ સંતાઇ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter